ભારત જોડો યાત્રા દરમિયાન અહીં એક રેલીને સંબોધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થશે. ગુજરાતમાં વર્તમાન શાસક પક્ષ ભાજપ વિરુદ્ધ એન્ટિ-ઈન્કમ્બન્સીમાં સતત વધારો થઈ રહ્યો છે, જ્યારે આમ આદમી પાર્ટી માત્ર જાહેરાતોના આધારે હવા ઉભી કરી રહી છે. તેનો વાસ્તવમાં પાયાના સ્તરે જનતામાં તેનો કોઈ મજબૂત આધાર નથી.
ગુજરાતમાં કોંગ્રેસ સામે આમ આદમી પાર્ટીએ ઉભા કરેલા પડકારોના મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસને આપ તરફથી કોઈ પડકાર નથી, કારણ કે રાજ્યમાં કોંગ્રેસના પાયા ઘણાં ઉંડા અને મજબૂત છે. કોંગ્રેસ અત્યંત આયોજનબદ્ધ રીતે ગુજરાતની ચૂંટણીઓ લડવા તૈયારી કરી રહી છે અને તે તેમાં વિજયી બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહરાજ્યમાં ચૂંટણી જીતવાના પડકારના મુદ્દે બોલતાં તેમણે કહ્યું કે રાજ્યમાં શાસક વર્ગ વિરુદ્ધ ભારે અસંતોષ છે અને આમ આદમી પાર્ટી માત્ર જાહેરાતો અને પ્રચારના જોરે જ કુદી રહી છે. જ્યારે કોંગ્રેસ રાજ્યમાં મજબૂત આધાર ધરાવે છે અને તે આ ચૂંટણીમાં વિજયી બનશે.
હિમાચલ અને ગુજરાતમાં પ્રચાર કરવાના એક સવાલના જવાબમાં રાહુલે કહ્યું કે પક્ષના અધ્યક્ષ ખડગે નક્કી કરશે કે કોણે શું કામ કરવુ. મોરબી પુલની દુર્ઘટના અંગે ટિપ્પણી કરવાનો ઈન્કાર કરતાં તેમણે કહ્યું કે હું આ મામલાને રાજકીય સ્વરૂપ નથી આપવા માગતો.