કોંગ્રેસ પાર્ટી પ્રેસિડન્ટ સોનિયા ગાંધી, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં ૭ સપ્ટેમ્બરથી ‘ભારત જોડો’ યાત્રા કાઢશે. ભારત જોડો કાર્યક્રમ અને ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીના અનુસંધાને પાંચમી સપ્ટેમ્બરે રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી ગુજરાત આવશે અને રાજ્યભરના કાર્યકરો અને બૂથની જવાબદારી સંભાળનારાઓને સંબોધન કરશે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના જૂના નેતાઓ એક પછી એક પાર્ટી સાથે છેડો ફાડી રહ્યા છે ત્યારે કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાતમાં કોંગ્રેસને તૂટતી બચાવવા માટે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી કે. સી. વેણુગોપાલ અને રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતને સિનિયર ઓબ્ઝર્વર બનાવીને જવાબદારી સોંપી છે.
ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણી અનુલક્ષીને રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલી વિશેષ બેઠકમાં પ્રદેશ પદાધિકારીઓ, ધારાસભ્યો, લોકસભા ઈન્ચાર્જ, જિલ્લા-તાલુકા કોંગ્રેસ સંગઠનના પ્રમુખોને સંબોધતા રાજસ્થાનના મુખ્યપ્રધાન અને ગુજરાત કોંગ્રેસના સિનિયર ઓબ્ઝર્વર અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસ મજબૂતાઈથી ચૂંટણી લડશે અને જીતશે. ગાંધી-સરદારના ગુજરાતમાં આજે એવા લોકો ચૂંટણી પ્રચાર કરવાની હિંમત કરી રહ્યાં છે જેમને પોતાના રાજ્યોની સરકારી ઓફિસમાંથી પૂ. મહાત્મા ગાંધીની તસવીર હટાવીને ગુજરાતનું અપમાન કર્યું છે.