છત્તીસગઢના રાયપુરમાં યોજાયેલા ત્રણ દિવસના કોંગ્રેસના મહાધિવેશનનું રવિવાર, 26 ફેબ્રુઆરીએ સમાપન થયું હતું. આ મહાધિવેશનનો સ્પષ્ટ સંદેશ એ હતો કે 2024ની લોકસભાની ચૂંટણીમાં પણ રાહુલ ગાંધી જ પક્ષનો મુખ્ય ચહેરો હશે અને તેમનો ટાર્ગેટ નરેન્દ્ર મોદી હશે. વિરોધ પક્ષોને પણ સંકેત આપવામાં આવ્યો હતો કે ભાજપ પછી કોંગ્રેસ જ મુખ્ય પક્ષ છે.
કોંગ્રેસ નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે ભારત જોડો યાત્રા પછી પક્ષ પૂર્વથી પશ્ચિમની યાત્રા કાઢશે. આ યાત્રાનો પ્રારંભ સંભવત અરુણાચલ પ્રદેશના પાસિઘાટથી થશે અને તેનું સમાપન ગુજરાતના પોરબંદરે થશે. અગાઉ પાર્ટીએ કાશ્મીરથી કન્યાકુમારી સુધીની ભારત જોડો યાત્રા કાઢી હતી.
મહાધિવેશનનો બીજો સંકેત એ હતો કે ભાજપની રાષ્ટ્રવાદી વિચારધારા સામે કોંગ્રેસ તેની પોતાની રાષ્ટ્રવાદી વિચારધારા રજૂ કરશે. ચીનના આક્રમણના સંદર્ભમાં એક ઠરાવ પસાર કરાયો હતો. તેમાં “ભારતની પ્રાદેશિક અખંડિતતાના રક્ષણ માટે કોઈપણ અને તમામ પગલાં લેવા” કહેવામાં આવ્યું હતું. 2019માં પણ ડોકલામ અથડામણના સંદર્ભમાં ચીન ચૂંટણીપ્રચારનો એક મુદ્દો હતો.
અખિલ ભારતીય કોંગ્રેસ કાર્યકારી સમિતિ (AICC)ના આ મહાધિવેશનમાં રાહુલ ગાંધી તેમની ભારત જોડો યાત્રા કેન્દ્રસ્થાને રહી હતી. એક પછી બીજા નેતાએ પાર્ટીને “ફરીથી ઉત્સાહિત” અને “પુનઃજીવિત” કરવા બદલ રાહુલ ગાંધીના ગુણગાન ગાયા હતા. તેમનો સંકેત સ્પષ્ટ હતો કે “સુધારેલી છબી” સાથે રાહુલ ગાંધીને વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં નહીં આવે તો પણ તેઓ જ કોંગ્રેસનો મુખ્ય ચહેરો હશે.
પક્ષે જાહેરાતમાં જણાવાયું હતું કે વિવિધતા, સમાનતા અને બંધુત્વની ભાવના સાથે ભારત જોડો યાત્રાએ ભાજપના ભારતના વિઝનનો સ્પષ્ટ વિકલ્પ રજૂ કર્યો છે. કોંગ્રેસ પક્ષના કરોડો કાર્યકરોએ ભાજપ અને RSSની વિભાજનકારી શક્તિઓને હરાવવા માટે ભારત જોડો યાત્રાના મોમેન્ટમને આગળ ધપાવવાની જરૂર છે. પાર્ટીએ અદાણી મુદ્દા પર સંસદ સુધી કૂચ સહિત વિરોધી દેખાવોના શ્રેણીબદ્ધ કાર્યક્રમો જાહેર કર્યા હતા. રાહુલ ગાંધીએ પણ તેમની યાત્રાથી પાર્ટી અને કેડરમાં નવસંચાર થયો હોવાની વાત કરી હતી અને પોતાની “તપસ્યા” તૂટી ન જાય તે માટે વધુ વધુ કઠિન કાર્યક્રમો તૈયાર કરવા પાર્ટીને સૂચના આપી હતી.
પાર્ટીના અન્ય સૂત્રો પણ 2019 જેવા છે. તેમાં બીજેપી દ્વારા “બંધારણને તોડવાનો પ્રયાસ” અને “સ્વતંત્ર સંસ્થાઓ પર હુમલો” તથા બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દાનો સમાવેશ થાય છે.
મહાધિવેશનમાં વિરોધ પક્ષોને સ્પષ્ટ સંદેશ છે કે ભાજપ સાથે ક્યારેય સમાધાન ન કર્યું હોય તેવો એકમાત્ર પક્ષ કોંગ્રેસ છે અને તે સમાન વિચારધારા ધરાવતા પક્ષો સાથે કામગીરી કરવા માટે તૈયાર છે.