મોરબીમાં દુર્ઘટનાના મુદ્દે કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. પક્ષના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આ દુર્ઘટનાને “માનવસર્જિત દુર્ઘટના” ગણાવી હતી અને તેના માટે રાજ્ય સરકારને સીધી રીતે જવાબદાર ગણાવી હતી. પાર્ટીના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે પૂછ્યું કે શું આ ઘટના “ભગવાનનું કૃત્ય કે કૌભાંડનું કૃત્ય” છે.
આ ઘટના અંગે ભાજપ પર પ્રહાર કરતા કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ સુરજેવાલાએ જણાવ્યું હતું કે મોરબી બ્રિજ અકસ્માતમાં અનેક લોકોના મોતના દુઃખદ સમાચારે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ કુદરતી આપત્તિ નથી, તે માનવસર્જિત દુર્ઘટના છે.
સુરજેવાલાએ આક્ષેપ કર્યો હતો કે ગુજરાતની ભાજપ સરકાર આ “જઘન્ય અપરાધ” માટે દોષિત છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગુજરાતી ભાઈઓ અને બહેનોના જીવ પર 2 લાખ રૂપિયાની કિંમત મૂકીને તેમની જવાબદારીથી છટકી શકે નહીં. 26મી ઓક્ટોબરે જ સમારકામ બાદ આ બ્રિજ ક્યારે ખુલ્લો મુકાયો, કેવી રીતે તૂટી પડ્યો તેનો જવાબ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને મોરબીના ધારાસભ્ય અને પ્રધાન બ્રિજેશ મેરજાએ આપવો પડશે.
સુરજેવાલાએ સવાલ કર્યો હતો કે “શું આ સીધું ગુનાહિત કાવતરું નથી? ભાજપ સરકારે ‘ફિટનેસ સર્ટિફિકેટ’ વિના બ્રિજને જાહેર ઉપયોગ માટે કેવી રીતે ખોલવાની મંજૂરી આપી?” શું ચૂંટણીના આદર્શ આચારસંહિતા અમલમાં આવે તે પહેલા મત મેળવવાની ઉતાવળમાં આ મંજૂરી આપવામાં આવી હતી. પુલના સમારકામનું કામ કંપની/ટ્રસ્ટને કેવી રીતે આપવામાં આવ્યું? શું તેઓ ભાજપ સાથે જોડાણ ધરાવે છે? શું IAS ભાજપ સરકારમાં શક્તિશાળી હોદ્દા ધરાવતા લોકોની ગુનાહિત ભૂમિકાની તપાસ કરી શકશે?