ગુજરાતમાં ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે રવિવારે રવિવારે બે તબક્કામાં કુલ ૩૮ ઉમેદવારની જાહેર કરી હતી.આ સાથે કોંગ્રેસે અત્યારસુધીમાં કુલ ૧૮૨ બેઠકમાંથી ૧૨૩ ઉમેદવારો જાહેર કર્યા છે.
પક્ષે વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવા સહિત વધુ ૨૨ ધારાસભ્યોને રિપીટ કર્યા છે, જ્યારે ખેડબ્રહ્માની બેઠક પરથી ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ડો. તુષાર ચૌધરી અને વડોદરાની વાઘોડિયા બેઠક પરથી ભૂતપૂર્વ સાંસદ સત્યજત ગાયકવાડને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. વાવ બેઠકના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને ગરબાડાના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા સહિત કુલ ૧૨ મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. બોટાદમાં અગાઉ જાહેર કરવામાં આવેલા રમેશ મેર સામે ભારે વિરોધ થતાં તેમને બદલીને પ્રદેશ પ્રવક્તા મનહરભાઈ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે.
કોંગ્રેસના કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાએ દ્વારકા બેઠક પરથી દાવેદારી કરી હતી, પરંતુ તેમના સ્થાને મૂળુભાઈ કંડોરિયાને ટિકિટ આપવામાં આવતા આંબલિયા સહિત તેમના સમર્થકોમાં ભારે નારાજગી ફેલાઈ હતી. વઢવાણ બેઠક પરથી તરૂણ ગઢવીને આયાતી ઉમેદવાર ગણાવીને કોંગી કાર્યકરોએ સામુહિક રાજીનામા આપી દેવાની ચીમકી ઉચ્ચારી હતી.પ્રથમ તબક્કા માટે સોમવારે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હોવાથી મોટાભાગના ઉમેદવારો વાજતે-ગાજતે ઉમેદવારી પત્રો ભરવા જશે.