ગુજરાતના મહાનગરપાલિકા બાદ નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં કારમા પરાજય બાદ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ મંગળવારે પક્ષમાં પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. આ ફાઇલ તસવીરમાં પરેશ ધાનાણી, રાહુલ ગાંધી, અમિત ચાવડા અને રાજીવ સાતવ. (ફોટો સૌજન્યઃ ફેસબુક @INCGujarat )

ગુજરાતના મહાનગરપાલિકા બાદ નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં કારમા પરાજય બાદ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ મંગળવારે પક્ષમાં પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. આ રાજીનામાનો કોંગ્રેસના હાઇ કમાન્ડને તરત સ્વીકાર પણ લીધો હોવાનું માનવામાં આવે છે. આ બંને નેતાઓ ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હારની જવાબદારી સ્વીકારીને રાજીનામાં આપ્યા હતા. આ બંને નેતાઓ પોતાના જિલ્લામાં પણ કોંગ્રેસને જીતાડી શક્યા ન હતા.

નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના કેટલાંક નેતાઓની પણ હાર થઈ હતી. પોરબંદરમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાના ભાઈ રામદેવ મોઢવાડિયા તાલુકા પંચાયત બેઠક પર હારી ગયાં હતા. ઉત્તર ગુજરાતમાં ધારાસભ્ય અશ્વિન કોટવાળના પુત્રનો પણ કારમો પરાજય થયો હતો. તેમજ દ્વારકા જિલ્લા પંચાયતમાં કોંગી નેતા વિક્રમ માડમના પુત્રની પણ હાર થઈ હતી. આમ કોંગ્રેસના નેતાઓના સગા સબંધીઓ અને ચાલુ ધારાસભ્યોનો પરાજય થયો હતો.