(ANI Photo/Shrikant Singh)

કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)એ શનિવારે સર્વસંમતિથી રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતાનું પદ સંભાળવા વિનંતી કરી હતી, આ અંગે રાહુલ ગાંધીએ પાર્ટીના ટોચના નેતાઓને જણાવ્યું હતું કે તેઓ આ અંગે ખૂબ જ જલ્દી નિર્ણય કરશે. અહીં ઉલ્લેખનીય છે કે 2014થી લોકસભામાં વિપક્ષના નેતાનું પદ ખાલી પડ્યું છે, કારણ કે કોંગ્રેસને વિપક્ષના નેતાનું પદ મળે તેટલી બેઠકો મળી ન હતી. જોકે આ વખતે કોંગ્રેસને 99 બેઠકો મળી હોવાથી તે વિપક્ષના નેતાના પદ માટે દાવો કરી શકશે.

પક્ષની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા CWCની અધ્યક્ષતા કોંગ્રેસના વડા મલ્લિકાર્જુન ખડગેએ કરી હતી અને તેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ હાજરી આપી હતી. બેઠકમાં લોકસભાની ચૂંટણીમાં પાર્ટીના દેખાવની પ્રશંસા કરાઈ હતી. આની સાથે પાર્ટીએ સારો દેખાવ ન કર્યો હોય અથવા ધારણા કરતાં ખરાબ દેખાવ કર્યો તેવા રાજ્યમાં અલગ સમિતિઓ રચવાનો નિર્ણય કરાયો હતો.

CWCએ સર્વસંમતિથી બે ઠરાવો પસાર કર્યા હતાં. એક ઠરાવમાં રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતાનું પદ સંભાળવાની વિનંતી કરાઈ હતી. રાહુલ ગાંધી આ હોદ્દા સંભાળવવા માટે સંમત થયા છે કે નહીં તેવા સવાલના જવાબમાં કોંગ્રેસના મહાસચિવ કે સી વેણુગોપાલે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ CWC સભ્યોની લાગણીની નોંધ લીધી અને તેમને કહ્યું છે કે તેઓ આ અંગે ખૂબ જ જલ્દી નિર્ણય લેશે.

અન્ય ઠરાવમાં CWCએ લોકશાહીની જાળવણી, બંધારણની રક્ષા તથા સામાજિક અને આર્થિક ન્યાય વધારવા માટે મજબૂતાઈથી મતદાન માટે લોકોને અભિનંદન આપવામાં આવ્યાં હતાં.

ઠરાવમાં જણાવાયું હતું કે જનતાએ છેલ્લા એક દાયકાના શાસનની શૈલી નિર્ણાયક રીતે નકારી કાઢી છે. જનાદેશ માત્ર રાજકીય નુકસાન નથી, પરંતુ વડાપ્રધાન માટે વ્યક્તિગત અને નૈતિક હાર છે. પીએમએ તેમના નામ પર જનાદેશ માંગ્યો તથા અસત્ય, નફરત, પૂર્વગ્રહ, વિભાજન અને ધર્માંધતામાંના આધારે ચૂંટણી પ્રચાર કર્યો હતો. CWCએ લોકસભા ચૂંટણી દરમિયાન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ  ભજવેલી ભૂમિકાઓની પણ પ્રશંસા કરી હતી.

LEAVE A REPLY