રાહુલ ગાંધીને લોકસભામાંથી ગેરલાયક ઠેરવવાના વિરોધમાં કોંગ્રેસે સોમવારે સતત બીજા દિવસે દેશભરમાં વિરોધી દેખાવો કર્યા હતા. રવિવારે દેશભરના કોંગ્રેસના કાર્યકરોએ “સંકલ્પ સત્યાગ્રહ” હેઠળ ઉગ્ર વિરોધી દેખાવો કર્યા હતા. સોમવારે કાળા કપડા પહેરીને વિરોક્ષ પક્ષોએ દેખાવો કર્યા હતા. હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, જમ્મુ અને કાશ્મીર, પંજાબ, હરિયાણા અને ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકરોએ પણ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.
કોંગ્રેસની આગેવાની હેઠળના કુલ 17 વિરોધ પક્ષોએ સોમવારે દિલ્હીમાં એક વ્યૂહરચના બેઠક યોજી હતી અને “કાળા” વિરોધમાં ભાગ લીધો હતો. વિપક્ષી એકતાના દુર્લભ પ્રદર્શનમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) પણ આ બેઠકમાં જોડાઈ હતી. તેલંગાણામાં કોંગ્રેસની હરીફ કે ચંદ્રશેખર રાવની ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) “બ્લેક શર્ટ” વિરોધમાં જોડાઈ હતી. વિરોધી દેખાવમાં કુલ, 17 વિપક્ષી પક્ષો – કોંગ્રેસ, DMK, SP, JDU, BRS, CPM, RJD, NCP, CPI, IUML, MDMK, KC, TMC, RSP, AAP, અને શિવસેના (UBT)એ ભાગ લીધો હતો.
કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શાસક ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને સવાલ કર્યો હતો કે નીરવ મોદી અને લલિત મોદી જેવા ભાગેડુઓની ટીકા થાય ત્યારે ભાજપને શા માટે દુઃખ થાય છે?
દિલ્હી પોલીસે રવિવારે કોંગ્રેસને રાજઘાટ પર તેનો વિરોધ કાર્યક્રમ યોજવાની પરવાનગી આપી ન હતી. આમ છતાં કોંગ્રેસે મહાત્મા ગાંધીના સ્મારકની બહાર એક મંચ ઊભો કરીને વિરોધી દેખાવો કર્યા હતા. વિરોધ કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે રાષ્ટ્રીય એકતા માટે હજારો કિલોમીટર ચાલનાર શહીદ વડાપ્રધાનનો પુત્ર ક્યારેય દેશનું અપમાન કરી શકે નહીં. અહંકારી સરકાર સામે અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે, કારણ કે રાહુલ ગાંધીને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવો તે દેશ અને તેની લોકશાહી માટે સારા સંકેત નથી.