કોંગ્રેસ અધ્યક્ષ એમ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘ઝેરી સાપ’ ગણાવ્યા પછી ભાજપના ધારાસભ્ય બાસનાગૌડા પાટીલ યતનાલે કોંગ્રેસના ભૂતપૂર્વ વડા સોનિયા ગાંધીની ‘વિષકન્યા’ સાથે તુલના કરી હતી. ભાજપના ધારાસભ્યની આ ટીપ્પણીની વિપક્ષે આકરી પ્રતિક્રિયા આપી હતી અને તેમની ધારાસભ્ય તરીકે હકાલપટ્ટી કરવાની માગણી કરી હતી.
કોંગ્રેસના મહાસચિવ રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને તેના નેતાઓએ તેમનું માનસિક અને રાજકીય સંતુલન ગુમાવ્યું છે.
ભાજપના ધારાસભ્યે જાહેરસભામાં જણાવ્યું હતું કે આખી દુનિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરે છે. એક સમયે અમેરિકાએ તેમને વિઝા આપ્યા નહોતાં, પરંતુ આજે તેઓ વિશ્વ નેતા તરીકે ઉભરી આવ્યા છે, જેમનું રેડ કાર્પેટ પર સ્વાગત થાય છે અને વિશ્વના નેતાઓ સાથે ખભે ખભા મિલાવે છે. મોદીની તુલના કોબ્રા સાથે કરવામાં આવે છે અને તેમને ઝેરી કહેવામાં આવે છે. શું સોનિયા ગાંધી, જેમના માટે તમે તમારી પાર્ટીમાં નાચવા જાઓ છો, તે વિષકન્યા છે. દેશને બરબાદ કરનાર સોનિયા ગાંધી ચીન અને પાકિસ્તાનના એજન્ટ તરીકે કામ કરે છે.
કોંગ્રેસ પ્રમુખ ખડગેએ ગુરુવારે એક જાહેરસભામાં મોદીને ઝેરી સાપ સાથે સરખાવ્યા બાદ તેમનો આક્રોશ આવ્યો હતો. ખડગેના આ નિવેદનથી પણ વિવાદ ઊભો થયો હતો અને ભાજપે માફીની માગણી કરી હતી. પછીથી ખડગેએ સ્પષ્ટતા કરી હતી કે તેમની ટીપ્પણી પીએમ સામે નહીં, પરંતુ તેમની પાર્ટી ભાજપ સામે હતી.
યતનાલની ટીપ્પણીનો આકરી ટીકા કરતાં સુરજેવાલે જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીમાં ઘોર પરાજયનો સામનો કરી રહેલી ભાજપની નેતાગીરી ખૂબ જ હતાશ છે તથા ગંદકી અને કાદવ ફેંકી રહી છે, જે કોંગ્રેસ નેતૃત્વને બદનામ અને અપમાનિત કરવાની ગંદી માનસિકતાની ઉપજ છે. તેઓ ઔચિત્ય, રાજકીય સંતુલન તથા શિષ્ટાચારને ગુમાવી ચુક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચના અને મુખ્યપ્રધાન બસવરાજ બોમ્માઈના સમર્થન સાથે ભાજપના નેતા અને મોદીજીના અંગત પ્રિય બાસનગૌડા પાટીલ યતનાલ યુપીએ અધ્યક્ષ અને ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને વિષકન્યા તથા ચીન અને પાકિસ્તાનના એજન્ટ તરીકે ગણાવીને સૌથી નીચે કક્ષાએ ઉતરી આવ્યા છે. કોંગ્રેસ નેતાએ દાવો કર્યો હતો કે કે દુઃખદ બાબત એ છે કે આ બધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, જેપી નડ્ડા અને બસવરાજ બોમ્માઈની મૂક સંમતી છે.