લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે તડામાર તૈયારી ચાલુ કરી હતી. ગુરુવારે પક્ષની એકસાથે ત્રણ અલગ-અલગ સમિતિઓની બેઠક યોજાઈ હતી તથા પક્ષની વ્યૂહરચના, ચૂંટણીઢંઢેરો અને બેઠક વહેંચણીની ચર્ચાવિચારણા ચાલુ કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે પાર્ટીએ લોકસભા કુલ 545માંથી અડધી બેઠકો પર સંપૂર્ણ તાકાત સાથે ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ કુલ બેઠકોની અડધાથી વધુ બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે. બાકી બેઠકો તે ઇન્ડિયા ગઠબંધનના પક્ષોને આપે તેવી શક્યતા છે.
બીજી તરફ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાના રૂટને પણ આખરી ઓપ આપ્યો હતો. પક્ષની ટોચની નેતાગીરી યોજનાઓને આખરી સ્વરૂપ આપવા માટે કોંગ્રેસ હેડક્વાર્ટરમાં ફટાફટ બેઠકો કરી હતી ત્યારે કોંગ્રેસના વડા મલ્લિકાર્જુન ખડગેએ પક્ષના નેતાઓને તેમના મતભેદોને ભૂલની એકજૂથ થવા અને સંવેદનશીલ મુદ્દાઓ પર જાહેરમાં નિવેદનો ન કરવાની શીખ આપી હતી.
પાર્ટીએ રાજ્ય એકમોને ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવા અને પ્રથમ યાદી આપવા સૂચના આપી છે. આ સપ્તાહમાં તમામ રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટીની જાહેરાત થવાની ધારણા છે. આ પછી તરત ઉમેદવારોની પસંદગી શરૂ થશે. પક્ષ ઉમેદવારોની પ્રથમ યાદી “ખૂબ જ ટૂંક સમયમાં” જાહેર કરશે.
પાર્ટીએ મેનિફેસ્ટોની માટે ચર્ચાઓ શરૂ કરી હતી. આ સંદર્ભમાં રચાયેલી સમિતિની પ્રથમ વખત બેઠક મળી હતી. બેઠકોની વહેંચણી અંગેની પાર્ટીની સમિતિએ કોંગ્રેસ અધ્યક્ષ સાથે અંતિમ ચર્ચા પણ કરી હતી, જ્યાં પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ હાજર હતા. મુકુલ વાસનિક વડપણ હેઠળની સમિતિએ અંતિમ વાટાઘાટો કરી હતી અને પક્ષના નેતૃત્વને ભાવિ માર્ગ સૂચવ્યો હતો. પેનલે પહેલાથી જ તમામ રાજ્ય એકમો સાથે અન્ય પક્ષો સાથે બેઠકોની વહેંચણી પર વાતચીત કરી છે.