ઉત્તરપ્રદેશ કોંગ્રેસના નવનિયુક્ત અધ્યક્ષ અજય રાયે શુક્રવારે મોટો દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી આગામી લોકસભા ચૂંટણી અમેઠીથી લડશે. જો પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી ઈચ્છે તો વારાણસી અથવા અન્ય કોઈ જગ્યાએથી ચૂંટણી લડી શકે છે. રાહુલ ગાંધી હાલ કેરળના વાયનાડથી સાંસદ છે, જ્યારે પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે કે નહીં તે અંગે અટકળો ચાલે છે. જોકે કોગ્રેસે કે પ્રિયંકા ગાંધી કે રાહુલ ગાંધીએ હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી. અહીં ઉલ્લેખનીય છે કે યુપીના વારાસણીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે વખત લોકસભાની ચૂંટણી જીત્યા છે.
અમેઠી લાંબા સમય સુધી ગાંધી પરિવારનો ગઢ રહ્યો હતો. 2004થી રાહુલ ગાંધી પણ આ બેઠકના સાંસદ હતા. જોકે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના સ્મૃતિ ઈરાનીએ ગાંધી પરિવારના ગઢમાં ગાબડુ પાડીને રાહુલ ગાંધીને હરાવ્યાં હતા.અજય રાયને કોંગ્રેસે ગઇકાલે યુપી કોંગ્રેસના વડા બનાવ્યાં હતા. અજય રાજય 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડ્યા હતાં અને હાર્યા હતાં.
યુપી કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિયુક્તિ નરેન્દ્ર મોદી સામે બે વાર ચૂંટણી લડવાનું ઈનામ છે કે નહીં તેવા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે આ મારા સતત સંઘર્ષનું પરિણામ છે. અજય રાય રાહુલનો ‘સિપાહી’ છે. આ સંઘર્ષ રાજ્યભરમાં લડવામાં આવશે. છેલ્લી ચૂંટણીમાં અમેઠીમાં રાહુલ ગાંધીને હરાવનાર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે સ્મૃતિ ઈરાની હતાશ લાગે છે. તેમણે 13 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખાંડ આપવાનું વચન આપ્યું હતું. શું આ વચનનું પાલન કર્યું છે? અમેઠીના લોકો અહીં છે, તેમને પૂછવું જોઇએ.
રાયબરેલીના સાંસદ સોનિયા ગાંધી હાલમાં યુપીના એકમાત્ર કોંગ્રેસી સાંસદ છે. ગત વર્ષે રાજ્યની ચૂંટણી બાદ 403 સભ્યોના યુપી વિધાનસભામાં કોંગ્રેસની સંખ્યા ઘટીને માત્ર બે રહી ગઈ હતી.