ગુજરાતમાં ચોતરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને કારણે રાજકિય ઘમાસાણ જોવા મળી રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય પક્ષોમાં ટિકિટ ફાળવણી મુદ્દે આંતરિક વિખવાદ બહાર આવ્યો છે. સોમવારે અમદાવાદના જમાલપુરના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ પક્ષને મોટો ઝાટકો આપીને પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું હતું.. ઇમરાન ખેડાવાલાએ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડાને પોતાનું રાજીનામુ સોંપ્યું હતું.
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા થયેલી ટિકિટ વહેંચણી તેમજ મેન્ડેટ આપવાની પદ્ધતિના કારણે તેઓ નારાજ થયા છે. આ અંગે તેમણે નારાજગી દર્શાવી હતી અને વિરોધના ભાગરુપે પોતાનું રાજીનામું આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા કોંગ્રેસમાં ટિકિટ વહેંચણીના કકળાટ વચ્ચે ઇમરાન ખેડાવાલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી હતી. તેમણે ટિકિટ વહેંચણીમાં કાર્યકર્તાઓ સાથે અન્યાય થયો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. જમાલપુરમાં ઈમરાન ખેડાવાલા વિરૂદ્ધ પોસ્ટર લગાતા સમગ્ર વિવાદ સામે આવ્યો હતો. પોસ્ટરમાં ટિકિટ વહેંચણી અંગે ઈમરાન ખેડાવાલાના વલણનો વિરોધ કરવામાં આવ્યો હતો.
રાજકીય નિરીીક્ષકોના જણાવ્યા અનુસાર કોંગ્રેસના સંગઠનમાં પોતાનું કદ મજબૂત કરવા માટે ખેડાવાલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હોવાની શક્યતા છે. તેમણે પોતાના વિસ્તારની અને કોમની જનતાની મતબેંક સમેટવા તેમને રાજીનામું આપ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.