આંતરિક વિખવાદ અને નેતાઓના વાણીવિલાસથી ત્રસ્ત કોંગ્રેસે હવે તેના પ્રાથમિક સભ્યપદ માટે નવા નિયમો બનાવ્યા છે. જો તમે પક્ષના સભ્ય બનવા માગતા હશો તો તમારે હવે બાંયધરી આપવી પડશે કે હું જાહેરમાં ક્યારેય પક્ષની નીતિઓ કે પ્રોગ્રામની ટીકા કરીશ નહીં. આ ઉપરાંત તમારે શરાબ અને નશીલા પદાર્થોથી દૂર રહેવાનું પણ ડિક્લેરેશન આપવું પડશે.
આ ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટીના સભ્યપદ ફોર્મ મુજબ નવા સભ્યોએ ઘોષણાપત્ર ભરવું પડશે કે તેઓ ટોચમર્યાદા કાયદાથી વધુ સંપત્તિ રાખશે નહીં અને પક્ષે નિર્ધારિત કરેલા શારીરિક શ્રમ સહિતના કાર્યો કરશે.
કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી ઓથોરિટીના ચેરમેન મધુસૂદન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આ જૂનું ફોર્મ છે અને અમારી પાર્ટીના બંધારણનો ભાગ છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે નવા સભ્યો સહિતના કોંગ્રેસના તમામ સભ્યો આ ધોરણોનું પાલન કરે.
સંગઠનની ચૂંટણી પહેલા કોંગ્રેસ પહેલી નવેમ્બરે મેમ્બરશીપ અભિયાન ચાલુ કરશે. તે આગામી વર્ષના 31 માર્ચ સુધી ચાલુ રહેશે. કોંગ્રેસની સૌથી મોટી નિર્ણયકર્તા સમિતિ કોંગ્રેસ વર્કિંગ કમિટીએ મંજૂર કરેલા સમયપત્રક મુજબ આગામી વર્ષના 21 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બર વચ્ચે કોંગ્રેસના નવા અધ્યક્ષની ચૂંટણી થશે.
પક્ષે મેમ્બરશીપ અભિયાન અને બીજા મુદ્દાની રૂપરેખા નક્કી કરવા માટે 26 ઓક્ટોબરે એક બેઠક બોલાવી છે. મેમ્બરશિપ ફોર્મમાં 10 મુદ્દાનું ઘોષણાપત્ર છે.
કોંગ્રેસના નવા સભ્યે બાંયધરી આપવી પડશે કે મને સર્ટિફાઇડ ખાદી પહેરવાની ટેવ છે. હું શરાબ અને નશીલા પદાર્થથી દૂર રહું છું. હું કોઇપણ પ્રકારના કે સ્વરૂપના સામાજિક ભેદભાવમાં માનતો નથી કે તેવો વ્યવહાર કરતો નથી અને તેની નાબૂદી માટે પ્રયાસ કરીશ. હું ધર્મ કે જાતિના ભેદભાવ વગર સંકલિત સમાજમાં માનું છું. હું વર્કિંગ કમિટીએ નિર્ધારિત કરે તે શારીરિક શ્રમ સહિતના કાર્યો કરવાની પ્રતિજ્ઞા લઉ છું. હું ટોચ મર્યાદા કાયદાથી વધુ સંપત્તિ રાખીશ નહી. આ ઉપરાંત સભ્ય બનવા માટે ધર્મનિરપેક્ષતા, સમાજવાદ અને લોકશાહીના સિદ્ધાંતોના પાલનની ખાતરી આપવી પડશે.