કોંગ્રેસ સોમવારે પાંચ મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે પોતાનાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. પક્ષે ભાવનગર, જામનગર, રાજકોટ, વડોદરા અને સુરતના ઉમેદવારોનાં નામની યાદી બહાર પાડી હતી. જોકે આ પહેલી યાદી બાદ બાકી રહેલા ઉમેદવારોના નામ પર ચર્ચા ચાલી રહી છે. જેમના નામ પણ થોડા સમયમાં કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવશે.
આ યાદીમાં હાલ અમદાવાદના કોઈ પણ ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા નથી. ગુજરાતની છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે છ ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. 8 ફેબ્રુઆરીએ ઉમેદવારીપત્રોની ચકાસણી કરાશે તો 9 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકા અને બીજા તબક્કામાં નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી યોજાશે. 6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે. રાજ્યની 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તથા 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જેની મતગણતરી 2 માર્ચના રોજ કરવામાં આવશે.