મોદીની હત્યા માટે તૈયાર રહો તેવું વિવાદાસ્પદ નિવેદન આપનારા મધ્યપ્રદેશના ભૂતપૂર્વ પ્રધાન અને કોંગ્રેસના નેતા રાજા પટૈરિયાની પોલીસે મંગળવારે ધરપકડ કરી હતી. કોંગ્રેસના કાર્યકર્તાઓના સંબોધનમાં રાજા પટૈરિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીની હત્યા માટે તૈયાર રહેવું પડશે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો અને તેનાથી મોટો વિવાદ ઊભો થયો હતો.
ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ રાજા પટૈરિયા તેમજ કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. રાજા પટૈરિયા વિરુદ્ધ કડક હેઠળ કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી. પન્નામાં તેમના વિરુદ્ધ કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો. વિવાદ વકરતા રાજા પટૈરિયાએ પોતાના નિવેદન પર ખુલાસો આપ્યો હતો કે હત્યાનો અર્થ હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચૂંટણીમાં હરાવવાના છે. હું ગાંધીવાદી વિચારધારા ધરાવતો વ્યક્તિ છું, કોઈની હત્યા વિશે હું વિચારી પણ નથી શકતો. મારા નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવી રહ્યું છે.