ગુજરાતમાં રાજયસભા ચૂંટણી સમયે કોંગ્રેસમાંથી પક્ષાંતર અને ભાજપ દ્વારા જે રીતે શામ-દામ-દંડ-ભેદનો ઉપયોગ કરીને કોંગ્રેસના ધારાસભ્યોને રાજીનામાની આપવા પ્રોત્સાહન અપાઈ રહ્યું છે તેના પર આકરા પ્રહાર કરતા પાસના પૂર્વ નેતા કોંગ્રેસના આક્રમક યુવા અગ્રણી હાર્દિક પટેલે જણાવ્યું કે કોરોના કાળમાં પ્રજાની ચિંતા કરવાને બદલે, અમદાવાદ સહિતનાં મેગાસિટીમાં પોઝીટીવ કેસ સતત વધી રહ્યા છે અને ગુજરાતનો મૃત્યુઆંક દેશભરમાં ઉંચો છે તે સમયે તે ચિંતા કરવાને બદલે ગુજરાત ભાજપ અને સમગ્ર સરકાર રાજ્યસભાની એક સીટ જીતવા માટે જે રીતે પક્ષાંતરના ખેલ કરી રહી છે તે ગુજરાતની જનતા જાણે છે અને આગામી સમયમાં તેનો જવાબ અપાશે.
કોંગ્રેસના અગ્રણીએ કહ્યું કે છેલ્લા બે માસથી અમો કોરોનાગ્રસ્ત વિસ્તારમાં લોકોની સહાયતા માટે સતત કાર્યરત હતા અને અમે રાજ્ય સરકારની નિષ્ફળતા જોઇ છે. હાર્દિક પટેલે એક ખાસ વાતચીતમાં કહ્યું કે કોંગ્રેસનાં ધારાસભ્યોને તોડવા અને 2020ની રાજ્યસભાની એક બેઠક જીતવા માટે ભાજપે રુા. 140 કરોડનો ખર્ચો કર્યો છે.
વાસ્તવમાં અમદાવાદની હોસ્પિટલમાં વેન્ટીલેટરના અભાવે દર્દીઓ મરી રહ્યા છે તો ભાજપે અને સરકારે આ રુપિયા 140 કરોડનો ઉપયોગ વેન્ટીલેટર ખરીદવામાં કર્યો હોત તો સારું હતું પરંતુ સરકારને દરેક રાજ્યસભા ચૂંટણી સમયે પક્ષાંતર જ રસ છે.
હાર્દિક પટેલે કોંગ્રેસના જે ધારાસભ્યો પક્ષાંતર કરે છે તેના પર પ્રહાર કરતાં કહ્યું કે હવે જનતાએ જાગવાની જરુર છે અને પક્ષાંતર કરનારને ચપ્પલોથી મારવા જોઇએ. હાર્દિકે ચૂંટણી પંચ સામે પણ પ્રશ્ર્ન ઉઠાવતા કહ્યું કે એક વખત ચૂંટણી જાહેર થઇ ગયા બાદ જે પક્ષાંતરના ખેલ થાય છે તેને ચૂંટણી પંચે રોકવા જોઇએ.
જેથી ચૂંટણીની પવિત્રતા જળવાઈ રહે. ચૂંટણી પંચ પણ મૌન છે તે કમનસીબ છે. હાર્દિકે અંતમાં કહ્યું કે અત્યારે કોરોના સામે રાજકારણ ન હોવું જોઇએ. લોકોના સ્વાસ્થ્ય, રોજગારીની ચિંતા થવી જોઇએ. રાજ્યસભાની એક બેઠક માટે આટલી મોટી તાકાત લગાવવા કરતાં જો પ્રજાના કલ્યાણ માટે લગાવાઈ તો ગુજરાતનું ભલુ થશે.