લોકસભાની આગામી ચૂંટણીમાં વિરોધ પક્ષોનો ચહેરો બનવા કોંગ્રેસ અને ટીએમસી વચ્ચે હાલમાં ચાલી રહેલા વાકયુદ્ધ વચ્ચે પશ્ચિમ બંગાળના આ સત્તાધારી કેમ્પે શુક્રવારે કોંગ્રેસ પર નવેસરથી હુમલો કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસ ડીપ ફ્રીઝરમાં જતી રહી છે અને વિરોધ પક્ષો આ અવકાશને પૂરવા માટે મુખ્યપ્રધાન મમતા બેનરજી પર હવે નજર દોડાવી રહ્યાં છે.
ટીએમસીએ તેના મુખપત્ર જાગો બાંગલામાં જણાવ્યું હતું કે તે ભાજપ સામે લડાઇ માટે કટિબદ્ધ છે. કોંગ્રેસ સામે ચૂંટણી વ્યૂહકાર પ્રશાંત કિશોરે કરેલી ટ્વીટનો ઉલ્લેખ કરતાં આ મુખપત્રના “કોંગ્રેસ ઇન ડીપ ફ્રીઝર”ના મથાળા સાથેના આર્ટિકલમાં જણાવાયું હતું કે માત્ર પ્રશાંત કિશોર નહીં, પરંતું ખુદ કોંગ્રેસના નેતાઓ પણ પાર્ટીના નેતૃત્વની ટીકા કરી રહ્યાં છે. ટીએમસી લાંબા સમયથી કહી રહી છે કે કોંગ્રેસ હવે પ્રભાવ વગરનો પક્ષ છે. તેની પાસે ભાજપ સામે લડવાનો ઉત્સાહ નથી. પાર્ટી આંતરિક લડાઇમાં એટલી ખૂંપેલી છે કે તેની પાસે વિરોક્ષ પક્ષોને એકઠા કરવાની ઊર્જા કે સમય નથી. યુપીએનું કોઇ અસ્તિત્વ નથી.
તેમાં જણાવાયું છે કે દેશને હાલમાં વૈકલ્પિક મોરચાની જરૂર છે અને વિરોક્ષ પક્ષોએ આ જવાબદારી મમતા બેનરજીને આપી છે. તેઓ આ અવકાશને ભરવા માટે મમતા પર મીટ માંડી રહ્યાં છે. મમતા હાલમાં વિરોધ પક્ષોનો સૌથી લોકપ્રિય ચહેરો છે.
પ્રશાંત કિશોરે ગુરુવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે “કોંગ્રેસ જે વિચારધારાનું પ્રતિનિધિત્વ કરે છે અને તેનું જે સ્થાન છે તે એક મજબૂત વિપક્ષ માટે ઘણું મહત્ત્વનું છે. પરંતુ કોંગ્રેસનું નેતૃત્વ કોઇ એક વ્યક્તિનો દિવ્ય અધિકાર નથી. ખાસ કરીને પાર્ટી છેલ્લા 10 વર્ષમાં 90 ટકાથી વધુ ચૂંટણી હારી ચુકી છે. મમતા બેનરજીએ પણ મુંબઈની તાજેતરની મુલાકાતમાં કહ્યું હતું કે યુપીએનું હવે કોઇ અસ્તિત્વ નથી. તૃણમૂલ કોંગ્રેસ રાષ્ટ્રીય સ્તરે તેની હાજરીમાં વધારો કરવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપ સામે લડવામાં કથિત નિષ્ફળતા બદલ તે સતત કોંગ્રેસ પર પ્રહાર કરી રહી છે.