દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે આવકવેરા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી પુન: આકારણી કાર્યવાહીને પડકારતી કોંગ્રેસની અરજી ફગાવી દીધી હતી. હાઇકોર્ટે અગાઉ 20 માર્ચે તેનો ચુકાદો અનામત રાખ્યો હતો. કોંગ્રેસે 2014-15, 2015-16 અને 2016-17 એમ સતત ત્રણ વર્ષ માટે સત્તાવાળાઓ દ્વારા તેની સામે શરૂ કરાયેલી ટેક્સ પુન: આકારણીની કાર્યવાહી સામે અરજી કરી હતી.
જસ્ટિસ યશવંત વર્મા અને પુરૂષેન્દ્ર કુમાર કૌરવની બેન્ચે ચુકાદો સંભળાવતા કહ્યું હતું કે અમે રિટ પિટિશનને ફગાવીએ છીએ. કોર્ટમાં આઇટી વિભાગે ભારપૂર્વક જણાવ્યું હતું કે ટેક્સ ઓથોરિટીએ કોઈપણ કાનૂની જોગવાઈનું ઉલ્લંઘન કર્યું નથી અને જપ્ત કરાયેલ સામગ્રી મુજબ કોંગ્રેસે રૂ.520 કરોડથી વધુની આવક પર ટેક્સ ભર્યો નથી.
કોંગ્રેસ વતી વરિષ્ઠ એડવોકેટ અભિષેક સિંઘવીએ જણાવ્યું હતું કે ટેક્સ રિએસેસમેન્ટની કાર્યવાહી માટે વર્ષોની મર્યાદા હોય છે અને આઈટી વિભાગ વધુમાં વધુ છ એસેસમેન્ટ વર્ષ સુધી જઈ શકે છે.
તાજેતરમાં, હાઈકોર્ટે આવકવેરા એપેલેટ ટ્રિબ્યુનલના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો અને આવકવેરા વિભાગ દ્વારા કોંગ્રેસને રૂ.100 કરોડથી વધુના બાકી ટેક્સની વસૂલાત માટે આપવામાં આવેલી નોટિસ પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો હતો. આકારણી અધિકારીએ આકારણી વર્ષ 2018-19 માટે રૂ.100 કરોડથી વધુની ટેક્સ ડિમાન્ડ કાઢી છે.