કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે શનિવારે ગુજરાતમાં તેના બાકીના ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. રાજકોટ લોકસભા બેઠક પરથી પાર્ટીએ ક્ષત્રિય સમાજની નારાજગીનો સામનો કરી રહેલા કેન્દ્રીય પ્રધાન પરશોત્તમ રૂપાલા સામે ભૂતપૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા છે. રૂપાણી અને પરેશ ધાનાણી બંને પાટીદાર સમાજના છે.
પાર્ટીના ઉમેદવારોમાં INTUCના ભૂતપૂર્વ પ્રમુખ, એક વરિષ્ઠ પ્રવક્તા અને ધાનાણી સહિત બે ભૂતપૂર્વ ધારાસભ્યોનો સમાવેશ થાય છે. આ સાથે કોંગ્રેસે ગુજરાતમાં આગામી લોકસભા ચૂંટણીમાં તે લડશે તેવી 24 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભરૂચ અને ભાવનગરની બેઠકો સીટ-વહેંચણી કરાર હેઠળ આમ આદમી પાર્ટીને ફાળવવામાં આવી છે.
ધાનાણી ઉપરાંત, કોંગ્રેસના અન્ય ત્રણ ઉમેદવારોમાં પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલ, વરિષ્ઠ પ્રવક્તા નિષાદ દેસાઈ અને રામજી ઠાકોરનો સમાવેશ થાય છે જેઓ અનુક્રમે અમદાવાદ પૂર્વ, નવસારી અને મહેસાણા બેઠક પરથી ચૂંટણી લડશે. ગુજરાતમાં7 મેના રોજ ત્રીજા તબક્કામાં 26 લોકસભા બેઠકો અને પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીઓ યોજાશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ધાનાણી શરૂઆતમાં રૂપાલા સામે લડવા માટે તૈયાર ન હતાં, પરંતુ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દ્વારા સમજાવવામાં આવ્યા બાદ તેઓ ચૂંટણી લડવા માટે રાજી થયા હતા. રૂપાલા રાજા મહારાજા વિશેની ટિપ્પણી માટે ગુજરાતમાં ક્ષત્રિય સમુદાયના વિરોધનો સામનો કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, ધાનાણીએ 2002ની વિધાનસભા ચૂંટણીમાં અમરેલી બેઠક પરથી રૂપાલાને હરાવ્યા હતા.
48 વર્ષીય ધાનાણીએ બે વખત અમરેલી બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ ભાજપના ઉમેદવાર કૌશિક વેકરિયા સામે હારી ગયા હતા. તેઓ 2018માં ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા હતા અને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખનું પદ સંભાળી રહ્યા છે.
હિંમતસિંહ પટેલ અમદાવાદના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાની જગ્યાએ આવ્યા છે. અગાઉ રોહન ગુપ્તાનું નામ જાહેર કરાયું હતું પરંતુ તેમણે કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો અને ભાજપમાં જોડાઈ ગયાં હતાં. હિંમતસિંહ પટેલ રાજ્ય વિધાનસભામાં બાપુનગર બેઠકનું પ્રતિનિધિત્વ કરતા હતા. 68 વર્ષીય નિષાદ દેસાઈ ટ્રેડ યુનિયનના નેતા છે જેમણે ઘણા વર્ષો સુધી INTUC પ્રમુખ તરીકે સેવા આપી હતી. તેઓ મજૂરોના પ્રશ્નો ઉઠાવવા માટે જાણીતા છે.
રામજી ઠાકોર સંખ્યાત્મક રીતે નોંધપાત્ર ઠાકોર સમુદાયના યુવા નેતા છે. તેઓ ભૂતકાળમાં મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.