અગાઉની કોંગ્રેસ સરકાર મુસ્લિમોને 15 ટકા બજેટની ફાળવણી કરવા માગતી હતી, તેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દાવાને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે ગુરુવારે સંપૂર્ણપણે ખોટો અને આક્રોશપૂર્ણ ગણાવ્યો હતો.
ચિદમ્બરમે જણાવ્યું હતું કે વડાપ્રધાને મંગળવારે દાવો કર્યો હતો કે જો તેઓ હિંદુ-મુસ્લિમ વિભાજનની ભૂમિકા ભજવશે, તો તેઓ જાહેર જીવનમાં રહેવા માટે યોગ્ય રહેશે નહીં. જોકે બીજા જ દિવસે તેમણે હિન્દુઓ અને મુસ્લિમોને વિભાજીત કરવાનો ખેલ ચાલુ કર્યો છે. પીએમના નિવેદનો વધુને વધુ વિચિત્ર બની રહ્યાં છે અને દર્શાવે છે કે તેમના ભાષણ લેખકોએ તેમનું સંતુલન ગુમાવ્યું છે.
પૂર્વ નાણા પ્રધાને જણાવ્યું હતું કે ડૉ.મનમોહન સિંહે કેન્દ્રીય બજેટના 15 ટકા માત્ર મુસ્લિમો પર ખર્ચ કરવાની યોજના ઘડી હતી, તેવો પીએમ મોદીનો આક્ષેપ તદ્દન ખોટો છે. કોંગ્રેસ મુસ્લિમ બજેટ અને હિંદુ બજેટ રજૂ કરશે તેવો તેમનો બીજો આક્ષેપ એટલો જ આક્રોશજનક છે. ભારતના બંધારણની કલમ 112 માત્ર એક જ એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ (બજેટ)ની જોગવાઈ કરે છે. તેથી બે બજેટ કેવી રીતે હોઇ શકે છે. ચૂંટણી પ્રચારના બાકીના દિવસોમાં પીએમ ખોટા આક્ષેપો અને અપમાનજનક દાવાઓ કરવાનું છોડી દેશે તેવી મારી આશા છે.
ચિદમ્બરમે જણાવ્યું હતું કે માત્ર ભારતીય લોકો જ નહીં, સમગ્ર વિશ્વ ભારતીય વડાપ્રધાનના નિવેદનોને જોઈ રહ્યું છે અને તેનું વિશ્લેષણ કરી રહ્યું છે અને તે ભારતને ગૌરવ અપાવતા નથી.
વડાપ્રધાન મોદીએ બુધવારે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ તેના અગાઉના શાસન દરમિયાન કુલ બજેટમાંથી 15 ટકાની ફાળવણી મુસ્લિમોને કરવા માગતી હતી. ઉત્તરમહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પિંપલગાંવ બસવંત ખાતે ચૂંટણી રેલીને સંબોધતા પીએમએ કહ્યું કે બજેટને ધાર્મિક આધાર પર વિભાજિત કરવું ખતરનાક છે.