તાજેતરમાં જ બિહારની સરકારે જ્ઞાતિ આધારિત વસતી ગણતરીના આંકડા જાહેર કર્યા હતાં. હવે ગુજરાતમાં પણ કોંગ્રેસ દ્વારા જ્ઞાતિ આધારિત વસતિ ગણતરી કરવાની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ ગત સપ્તાહે જણાવ્યું હતું કે, બિહાર સરકારની જેમ ગુજરાત સરકાર જ્ઞાતિ આધારિત વસતિ ગણતરી કરવી જોઇએ. જેથી બિન અનામત વર્ગનાં લોકોને ફાયદો થશે. જોકે કૉંગ્રેસશાસિત રાજ્ય કણાર્ટકમાં જાતિ આધારિત વસતિ ગણતરી થઈ હોવા છતાં અહેવાલ જાહેર કરવામાં આવ્યો નથી.
અમિત ચાવડાએ મીડિયાને જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર તાત્કાલિક જાતિ આધારિત વસતિ ગણતરી કરાવે. અંગ્રેજોનાં શાસનકાળથી જાતી આધારિત વસતિનાં આંકડા મળી આવે છે. કાસ્ટ સેન્સસ મુજબ સામાજીક રીતે વસતિ ગણતરી કરાઈ છે પરંતુ જાતિ આધારીત વસતિ ગણતરીનાં આંકડા જાહેર ન થયા. જેથી ધાર્મિક આંકડા જાહેર કરીને રાજકીય લાભ લેવામાં આવ્યો હતો. સમાજમાં અસમાનતા દૂર કરવા જાતિ આધારિત ડેટા ખૂબ જરૂરી છે.