ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે કોંગ્રેસે પાંચ બેઠકો પોતાના ઉમેદવારોના નામની સોમવારે જાહેરાત કરી હતી. કુલ આઠ બેઠકોની પેટાચૂંટણીમાંથી કોંગ્રેસ લાંબી મથામણ બાદ પાંચ બેઠક માટે ઉમેદવાર નક્કી કરી શકી છે. રાજ્યમાં આ બેઠકો માટે 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેસરે મતગણતરી થશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 16 ઓક્ટોબર છે.
કોંગ્રેસ ગઢડા બેઠક માટે મોહન સોલંકી, અબડાસા બેઠક માટે શાંતિલાલ સેંઘાણી, ધારી બેઠક માટે સુરેશ કોટડિયા, મોરબીમાં જયંતી પટેલ તથા કરજણમાં કિરીટસિંહ જાડેજાને ટિકિટ આપી છે. હજુ લીંમડી, કપરાડા અને ડાંગ બેઠક પર હજુ કોકડું ગુંચવાયેલું છે અને આ ત્રણેય બેઠકો પર ઉમેદવારની પસંદગી માટે મથામણ ચાલી રહી છે.
આ અગાઉ ભાજપે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકો પૈકી 7 બેઠકો માટેના ઉમેદવારોની જાહેરાત કરી હતી. ભાજપે મોટાભાગે આયાતી ઉમેદવારોને જ ટીકિટ આપી છે. ભાજપે જેમને ટીકિટ આપી છે તેમાંથી મોટાભાગના કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયેલા નેતાઓ છે.