કોંગ્રેસને ફરી બેઠી કરવા માટે ચૂંટણી વ્યૂહકાર પ્રશાંત કિશોરે શનિવારે નવી દિલ્હીમાં સોનિયા ગાંધીના વડપણ હેઠળ યોજાયેલી કોંગ્રેસ નેતાઓની બેઠકમાં વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું હતું. પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં જોડાવાની પણ પોતાની ઇચ્છા પણ વ્યક્ત કરી હોવાનું માનવામાં આવે છે.
એઆઇસીસીના મહામંત્રી કે સી વેણુગોપાલે જણાવ્યું હતું કે પ્રશાંત કિશોરની કોંગ્રેસમાં એન્ટ્રી સહિત તેમના સૂચનો અંગે એક સપ્તાહમાં નિર્ણય લેવામાં આવશે. તાજેતરની વિધાનસભાની ચૂંટણીઓ પહેલા પણ પ્રશાંત કિશોર કોંગ્રેસમાં સામેલ થશે તેવી અટકળો વ્યક્ત થઈ હતી.
કોંગ્રેસ અધ્યક્ષના નિવાસસ્થાન 10, જનપથ ખાતે યોજાયેલી બેઠકમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડરા અને મલ્લિકાર્જૂન ખડકે અને બીજા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યાં હતા. આ બેઠકમાં વિધાનસભાની આગામી ચૂંટણી અને લોકસભાની ચૂંટણી માટે પાર્ટીની વ્યૂહરચના અંગે ચર્ચાવિચારણા થઈ હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રશાંત કિશોરે આ બેઠકમાં કહ્યું હતું કે તેઓ કોઇપણ અપેક્ષા વગર કોંગ્રેસમાં સામેલ થવા તૈયાર છે. તેઓ કંઇ ઇચ્છતા નથી, પરંતુ પાયાના સ્તરે કોંગ્રેસને મજબૂત કરવા માટે તેમની યોજનાનો અમલ કરવામાં આવે. આ બેઠક પછી વેણુગોપાલે પત્રકારોને જણાવ્યું હતું કે પ્રશાંત કિશોરના સૂચનોની ચર્ચાવિચારણા કરવા માટે એક જૂથની રચના કરવામાં આવશે. પ્રશાંત કિશોરે 2024ની ચૂંટણી વ્યૂહરચના માટે વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું હતું. તે માટે વિગતવાર ચર્ચાની જરૂર છે અને સમગ્ર પ્રેઝન્ટેશનની ચર્ચા કરવા કોંગ્રેસ અધ્યક્ષ એક નાના ગ્રૂપની રચના કરશે. આ ગ્રૂપ અંતિમ નિર્ણય માટે એક સપ્તાહમાં તેનો રીપોર્ટ આપશે.
પ્રશાંત કિશોર પાર્ટીમાં સામેલ થશે કે તેઓ એક રણનીતિકાર હશે તેવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે આ તમામ અંગેના નિર્ણયની જાહેરાત એક સપ્તાહમાં થશે. સૂત્રોએ જણાવ્યું હતું કે કિશોરે કોંગ્રેસની ટોચની નેતાગીરી સમક્ષ પક્ષને ફરી બેઠી કરવાની લાંબા વ્યૂહરચના આપી છે. પ્રશાંત કિશોરે 2024ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને માત્ર 365થી 370 બેઠકો પર ધ્યાન કેન્દ્રીત કરવાનું સૂચન કર્યું હોવાનું માનવામાં આવે છે. વિધાનસભાની ચૂંટણીમાં પ્રશાંત કિશોરે એવું સૂચન કર્યું હોવાનું માનવામાં આવે છે કે કોંગ્રેસે પોતે જીતી હોય અથવા બીજા સ્થાને રહી હોય તેવી વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડવી જોઇએ. કોંગ્રેસે ઉત્તરપ્રદેશ, બિહાર અને ઓડિશામાં નવેસરથી શરૂઆત કરવી જોઇએ. પ્રશાંત કિશોરે ગુજરાતમાં પાટીદાર નેતા નરેશ પટેલનો સમાવેશ કરવાનું પણ સૂચન કર્યું હોવાનું માનવામાં આવે છે.