કોંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપ સુરજેવાલે નવી દિલ્હીમાં કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. (PTI Photo/Ravi Choudhary)

પેગાસસ જાસૂસીના મુદ્દે ભાજપ અને કોંગ્રેસે સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરીને એકબીજા પર આક્ષેપો કર્યા હતા. પેગાસસ મારફત કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની પણ જાસૂસી થઈ હોવાના અહેવાલને પગલે કોંગ્રેસે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યો હતા. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે સરકાર લોકશાહીની વિરુદ્ધ છે. ભાજપે હવે તેનું નામ ભારતીય જાસૂસ પાર્ટી રાખી દેવુ જોઈએ.

કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે માત્ર રાહુલ ગાંધી જ નહીં, પરંતુ વિપક્ષના અન્ય નેતાઓની પણ જાસૂસી કરવામાં આવી હતી. રણદીપ સુરજેવાલાએ કહ્યું કે રાહુલ ગાંધી, તેમના કર્મચારીઓ, તેમના પોતાના કેબિનેટ પ્રધાનો, પત્રકારો અને કાર્યકરોની જાસૂસી કરવામાં આવી હતી, શું આ ઉગ્રવાદ સામેની લડત છે? કોંગ્રેસે સવાલ કર્યો હતો કે ભારત સરકારે ઇઝરાયલી સોફ્ટવેર ક્યારે ખરીદ્યો? કોણે મંજૂરી આપી? કેટલો ખર્ચ થયો?

કોંગ્રેસનાા આક્ષેપોના જવાબ આપતા સરકાર તરફ રવિશંકર પ્રસાદે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસનો જાસૂસીનો ઇતિહાસ રહ્યો છે. આ રાષ્ટ્ર વિરોધી એજન્ડા ચલાવનારાઓનું એક કાવતરું છે. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે કોંગ્રેસ જાસૂસીના પુરાવા આપી શક્યું નથી, રાજકીય શિષ્ટાચારની બહાર તેમણે આક્ષેપો કર્યા છે. પ્રસાદે સવાલ ઉઠાવ્યો કે જાસૂસી કૌભાંડની હંગામો સંસદનાં ચોમાસું સત્ર પહેલા કેમ ઉભો થયો? તેમણે કહ્યું કે દેશમાં ફોન ટેપીંગને લઈને સશક્ત કાયદા છે. આ પ્રક્રિયાઓ પછી ટેપિગ થઈ શકે છે. સરકાર વિરુદ્ધ અર્થવિહીન આરોપો લગાવવામાં આવ્યા છે.