કોંગ્રેસને સ્પષ્ટ સંદેશ આપતા ચૂંટણી વ્યૂહકાર પ્રશાંત કિશોરે શુક્રવારે જણાવ્યું હતું કે લખીમપુર ખીરી ઘટનાને પગલે ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી કોંગ્રેસના વડપણ હેઠળ વિરોધ પક્ષો ઝડપથી બેઠા થશે તેવી આશા રાખનારા લોકોને મોટી નિરાશ મળશે, કારણ કે કોંગ્રેસમાં ઊંડા જડ જમાવી ચુકેલી સમસ્યાનો કોઇ તાકીદનો ઉકેલ નથી.
પ્રશાંત કિશોરે ગાંધી પરિવારના સંપર્કમાં છે અને કોંગ્રેસમાં જોડાઇ જશે તેવા અટકળો વચ્ચે તેમણે આ ટ્વીટ કર્યું છે. પ્રશાંત કિશોરે તેમના ટ્વીટર હેન્ડલ પર જણાવ્યું હતું કે “લખીમપુર કાંડને આધારે ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટીના વડપણ હેઠળ વિરોધ પક્ષોના ઝડપ અને સ્વયંભૂ પુનરુત્થાનની આશા રાખતા લોકોને મોટી નિરાશા મળશે. કમનસીબે કોંગ્રેસની ઊંડા જડ કરી ગયેલી સમસ્યા અને માળખાગત નબળાઇનો કોઇ તાકીદનો ઉકેલ નથી.”
ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા એમ વીરપ્પા મોઇલીએ ગયા મહિને કોંગ્રેસમાં પ્રશાંત કિશોરને સામેલ કરવાનું જોરદાર સમર્થન કર્યું હતું અને જણાવ્યું હતું કે પક્ષમાં તેમની એન્ટ્રીનો વિરોધ કરતાં લોકો સુધારા વિરોધી છે.
પ્રશાંત કિશોર કોંગ્રેસમાં સામેલ થશે તેવી કોંગ્રેસ અને બહાર પણ વ્યાપક અટકળો છે, પરંતુ કોંગ્રેસ હજુ કોઇ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. પ્રશાંત કિશોરના આ ટ્વીટમાંથી ઘણા લોકો એવી અટકળો લગાવી રહ્યાં છે કે પ્રશાંત કિશોર અને કોંગ્રેસની નેતાગીરી વચ્ચે હજુ કોઇ સંમતી સધાઈ નથી.