કર્ણાટકમાં મે મહિનામાં વિધાનસભાની ચૂંટણી પહેલા બે જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને નેતા રાહુલ ગાંધીની ટીકા જણાવ્યું હતું કે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો મારી કબર ખોદવામાં વ્યસ્ત બન્યા છે. રાહુલ ગાંધીની લોકશાહી અંગેની ટીપ્પણીને પણ મોદીએ લોકોનું અપમાન ગણાવ્યું હતું.
રાહુલગાંધી સામે ગર્ભિત હુમલા કરતાં મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વિશ્વની કોઈ તાકાત ભારતની લોકશાહી પરંપરાઓને નુકસાન પહોંચાડી શકે નહીં. ભારતની લોકશાહી ખતરામાં હોવાના લંડન ખાતેના રાહુલ ગાંધીના નિવેદનનો દેખિતો ઉલ્લેખ કરતાં મોદીએ જણાવ્યું હતું કે તે 12મી સદીના સમાજ સુધારક બસવેશ્વરા, કર્ણાટકના લોકો, ભારતની મહાન પરંપરાઓ અને તેના નાગરિકોનું અપમાન છે. ભગવાન બસવેશ્વરની પ્રતિમા લંડનમાં છે, પરંતુ તે દુર્ભાગ્યની વાત છે કે એ જ લંડનમાં ભારતના લોકતંત્ર પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.
મંડ્યા જિલ્લાના મદ્દુરમાં એક જાહેર સભાને સંબોધતા મોદીએ જણાવ્યું હતું કે તેઓ દેશના વિકાસ અને ગરીબોના કલ્યાણ માટે કામમાં વ્યસ્ત હતા, ત્યારે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો તેમની કબર ખોદવામાં વ્યસ્ત છે. પરંતુ લોકોના આશીર્વાદ તેમનું સૌથી મોટી સુરક્ષા કવચ છે.