કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહન સિંઘે કેન્દ્ર સરકારની લોકડાઉનની રણનીતિ સામે સવાલો ઉઠાવતા 17 મે પછી શું પગલાં લેવાશે તે અંગે સવાલો કર્યા છે. કેન્દ્રને ઘેરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ સવાલ કર્યો કે આખરે દેશમાં ક્યાં સુધી લોકડાઉન લંબાવવામાં આવશે. કોંગ્રેસ શાસિત રાજ્યોમાં મુખ્યમંત્રીઓ સાથેની બેઠકને સંબોધતા સોનિયા ગાંધીએ સવાલ કર્યો હતો કે 17મે પછી શું? ઉલ્લેખનીય છે કે દેશમાં સૌપ્રથમ 25 માર્ચથી 14 એપ્રિલ પ્રથમ લોકડાઉન અમલલમાં આવ્યું હતું ત્યારબાદ 15 એપ્રિલથી 3 મે સુધી બીજો તબક્કો હતો અને હવે 4 મેથી 17 મે સુધી લોકડાઉનનું ત્રીજું ચરણ ચાલુ થયું છે.
કોંગ્રેસ શાસિત રાજ્યોના સીએમ સાથેની બેઠકમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા. સોનિયા ગાંધીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ બેઠક યોજી હતી.17 મે પછી શું? 17મી પછી કેવી રીતે? કેન્દ્ર સરકાર લોકડાઉન લંબાવવા માટે ક્યા પરિમાણોને આધારે નિર્ણય લઈ રહી છે. કોરોના વાયરસની વર્તમાન સ્થિતિ તેમજ લોકડાઉન પછીના કામકાજ અંગે થયેલી આ વાતચીતમાં સુરજેવાલાએ સોનિયા ગાંધીને ટાંકીને આ સવાલ કર્યો હતો.
સોનિયા ગાંધીએ પંજાબ તેમજ હરિયાણાના ખેડૂતોનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો. વર્તમાન વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ દેશમાં બમ્પર અનાજ પુરું પાડીને ખાદ્ય સુરક્ષા આપવા બદલ તેમણે આભાર માન્યો હતો. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘે જણાવ્યું કે, આપણે જાણવું જોઈએ, જેમ સોનિયાજીએ કહ્યું કે, લોકડાઉનના ત્રીજા તબક્કા પછી શું થશે? કોંગ્રેસશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ કેન્દ્ર સરકારને દેશને લોકડાઉનમાંથી બહાર ક્યારે લાવશો તે અંગે પ્રશ્ન પૂછવા જોઈએ.
આ બેઠકમાં પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહે જણાવ્યું કે તેમણે બે કમિટીની રચના કરી છે એક લોકડાઉનમાંથી કેવી રીતે બહાર આવવું તે માટે અને બીજી આર્થિક પુનરુત્થાન માટે. ચિંતા એ વાતની છે કે દિલ્હીમાં બેઠેલા લોકો કોરોના વાયરસના કેસોના આધારે ઝોન વર્ગીકરણ કરવામાં પડ્યા છે. તેઓ જમીની હકીકતને નથી જાણી રહ્યા.રાજસ્થાનના સીએમ અશોક ગહેલોતે પણ આ બેઠકમાં જણાવ્યું કે, જ્યાં સુધી આર્થિક રાહત પેકેજ નહીં મળે ત્યાં સુધી રાજ્ય અને દેશ કેવી રીતે ચાલી શકશે. અમે 10,000 કરોડની આવક ગુમાવી છે.