Ballot Box
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

લોકસભામાં સરકારે સ્પષ્ટ કર્યું હતું કે ભારતમાં ફરજિયાત મતદાન વ્યવહારુ નથી. સરકારની આ સ્પષ્ટતા બાદ ફરજિયાત વોટિંગની જોગવાઈ કરતાં એક પ્રાઇવેટ મેમ્બર બિલને પાછું ખેંચી લેવામાં આવ્યું હતું.

ભાજપના જનાર્દન સિંહ (સિગ્રીવાલ)એ 2019માં લોકસભામાં આ અંગેનું પ્રાઇવેટ બિલ રજૂ કર્યું હતું અને જણાવ્યું હતું કે આવા કાયદાથી લોકશાહીમાં વધુ લોકોની ભાગીદારી થશે અને કાળા નાણાના ઉપયોગ પર અંકુશ આવશે.

રાજ્યકક્ષાના કેન્દ્રીય કાયદા અને ન્યાય પ્રધાન એસ પી સિંહ બઘેલે જણાવ્યું હતું કે તેઓ ફરજિયાત વોટિંગ અંગે સભ્યોની ભાવના સમજશે, પરંતુ મતદાનનો હક ન કરતાં લોકોને દંડ કરવાનું વ્યવહારુ નથી. મતદાન એક હક છે, પરંતુ ફરજિયાત ફરજ નથી.

ગૃહે આ બિલની ત્રણ વર્ષ સુધી વિચારણા કરી હતી. આ ચર્ચા દરમિયાન ઘણા સભ્યોએ તરફેણમાં અને ઘણાએ વિરુદ્ધમાં મત આપ્યો હતો.

ચૂંટણી સુધારા અંગેના માર્ચ 2015ના કાયદા પંચે ફરજિયાત વોટિંગની દરખાસ્તનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે તેનો અમલ કરવાનું વ્યવહારુ નથી. ગઇ લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ 66.11 ટકા વોટિંગ થયું હતું, જે 2014માં થયેલા 65.95 ટકા કરતાં 1.16 ટકા વધુ છે.