ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલી ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયો છે. તેની પત્નીએ શુક્રવારે મુંબઈના બાંદ્રા (વેસ્ટ) ફ્લેટમાં દારૂના નશામાં કથિત રીતે તેની સાથે દુર્વ્યવહાર અને હુમલો કરવાની ફરિયાદ નોંધાવી છે.
વિનોદ કાંબલીની પત્નીએ મુંબઈ પોલીસને આપેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે નશાની હાલતમાં વિનોદ કાંબલીએ રસોઈ બનાવવાની તપેલીનું હેન્ડલ તેના પર ફેંકીને મારપીટ કરી હતી જેના લીધે તેને માથામાં ઈજા થઈ હતી. એન્ડ્રીયાએ પોલીસને કરેલી ફરિયાદ મુજબ આ ઘટના શુક્રવારે બપોરે 1 થી 1.30 વાગ્યાની વચ્ચે બની હતી. પોલીસ જણાવ્યા અનુસાર વિનોદ કાંબલી વિરુદ્ધ IPCની કલમ 324 અને 504 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. બાંદ્રા પોલીસે જણાવ્યું કે કાંબલીની પત્ની એન્ડ્રીયા ફરિયાદ નોંધાવવા આવતા પહેલા ભાભા હોસ્પિટલમાં ગઈ હતી અને તબીબી સારવાર લીધી હતી.
દારુના નશામાં ગત વર્ષ ફેબ્રુઆરીમાં પોતાની ગાડીથી ટક્કર મારીને વિવાદ સર્જવાનો મામલો સામે આવ્યો હતો. જે વખતે પણ પોલીસ ફરીયાદ નોંધવામાં આવી હતી. આમ વિનોદ કાંબલીના નામે વધુ એક વિવાદ સામે આવ્યો છે. 1990 ના દાયકામાં, વિનોદ કાંબલીએ ભારતીય ટીમમાં જગ્યા બનાવી હતી અને લાંબા સમય સુધી ટીમનો હિસ્સો રહ્યો હતો. તેણે ભારત માટે 17 ટેસ્ટ અને 104 વનડે રમી જેમાં તેના નામે 3500થી વધુ રન છે.