cbi.gov.in

ઇન્ડિયન એરફોર્સ અને નેવી માટે 2004માં 24 હોક 115 એડવાન્સ જેટ ટ્રેનર એરક્રાફ્ટની ખરીદીમાં કથિત ભ્રષ્ટાચાર બદલ ભારતની તપાસ એજન્સી સીબીઆઇએ સોમવારે ​​બ્રિટિશ મલ્ટિનેશનલ એરોસ્પેસ એન્ડ ડિફેન્સ કંપની રોલ્સ રોયસ અને તેના ટોચના એક્ઝિક્યુટિવ સામે કેસ દાખલ કર્યો હતો. એજન્સીએ આ ખરીદીમાં ભારત સરકાર સાથે છેતરપિંડીના કથિત પ્રયાસ બદલ કંપનીના  ઇન્ડિયા ડિરેક્ટર ટિમ જોન્સ, આર્મ્સ ડીલર્સ સુધીર ચૌધરી અને ભાનુ ચૌધરી અને બ્રિટિશ એરોસ્પેસ સિસ્ટમ્સ (બીએઇ સિસ્ટમ્સ) સામે કેસ નોંધ્યો હતો.

સીબીઆઈએ જણાવ્યુ હતું અજાણ્યા જાહેર સેવકોએ સત્તાવાર હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો અને 734.21 મિલિયન પાઉન્ડમાં  કુલ 24 હોક 115 એડવાન્સ જેટ ટ્રેનર (AJT) એરક્રાફ્ટની ખરીદીને મંજૂરી આપી હતી અને ખરીદી કરી હતી. આના બદલામાં ઉત્પાદક કંપની અને તેના અધિકારીઓએ વચેટિયાને જંગી લાંચ અને કમિશન ચુકવ્યું હતું.

સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિએ 3 સપ્ટેમ્બર, 2003ના રોજ યોજાયેલી બેઠકમાં, 66 હોક 115 એરક્રાફ્ટની ખરીદી અને લોંગ ટર્મ પ્રોડક્ટ સપોર્ટ માટે ભારત અને યુકેની સરકારો કરાર પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી હતી. આ પછી 19 માર્ચ, 2004ના રોજ બંને દેશો વચ્ચે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા હતા. આ પછી સંરક્ષણ મંત્રાલય અને બીએઇ સિસ્ટમ્સ-રોલ્સ રોયસ  વચ્ચે ખરીદી માટે બે કોન્ટ્રાક્ટ થયા હતા. આ કોન્ટ્રાક્ટમાં એજન્ટ કે એજન્સીને કમિશન ન આપવાની જોગવાઈ હતી.

2012માં યુકેના મીડિયામાં અહેવાલ આવ્યા હતા કે રોલ્સ રોયસ ભારત અને બીજા દેશોમાં કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભ્રષ્ટાચાર આચરે છે. આ પછી યુકેની SFO (સિરિયલ ફ્રોડ ઓફિસ)એ તપાસ કરી હતી. જેમાં બહાર આવ્યું હતું કે રોલ્સ-રોયસે હોક વિમાનના એન્જીન માટેનો મોટો કોન્ટ્રાક્ટ મેળવવા માટે “અનરજિસ્ટ્રર્ડ ઇન્ડિયન એજન્ટ”ને 10 મિલિયન પાઉન્ડની લાંચ ચુકવી હતી. આ લાંચ સુધીર ચૌધરી સાથે જોડાયેલી કંપનીઓને આવી હતી. ભાનુ ચૌધરી સાથે જોડાયેલ શંકાસ્પદ પેમેન્ટ પણ થયા હતા. જોકે બંનેએ સંયુક્ત તપાસમાં આ તારણોનું ખંડન કર્યું હતું.

સુધીર ચૌધરી અને તેમના પુત્ર ભાનુ ચૌધરી ભારતીય મૂળના યુકે સ્થિત બિઝનેસમેન છે. ચૌધરી પરિવારે C&C આલ્ફા ગ્રુપની સ્થાપના કરી હતી, જે લંડન સ્થિત ફર્મ છે જે હેલ્થકેર, એવિએશન અને હોસ્પિટાલિટી સહિતના ક્ષેત્રોમાં રોકાણ કરે છે .2014માં, યુકેની સીરીયસ ફ્રોડ ઓફિસ (SFO) તપાસના ભાગરૂપે આ બંનેની ધરપકડ કરાઈ હતી. જોકે પછીથી તેમની સામેના આરોપ પડતા મૂકાયા હતા.

LEAVE A REPLY