હાલની સ્થિતિમાં ફક્ત ગુજરાતીઓ જ ઠગ હોઈ શકે છે તેવા વિવાદાસ્પદ નિવેદન બદલ બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવ સામે અમદાવાદની એડિશન મેટ્રોપોલિટન કોર્ટમાં ગુનાહિત બદનક્ષીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા વિરુદ્ધ સામાજિક કાર્યકર અને વેપારી હરેશ મહેતાએ ભારતીય દંડ સંહિતાની કલમ 499 અને 500 (ગુનાહિત માનહાનિ સાથે વ્યવહાર) હેઠળ એડિશન મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ડીજે પરમારની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે.
ઈન્ટરપોલે ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સી સામે રેડ કોર્નર નોટિસ હટાવ્યા પછી તેજસ્વી પ્રસાદ યાદવે વિવાદાસ્પદ નિવેદન આપતા જણાવ્યું હતું કે આજના સંજોગોમાં માત્ર એક ગુજરાતી જ ઠગ બની શકે છે અને તેમને માફ પણ કરવામાં આવશે. એલઆઈસી કે બેંકના પૈસા લઈને કોઈ ભાગી જાય તો જવાબદારી કોણ લેશે? ભાજપ પોતે જ આ પૈસા લઈને ભાગી જાય તો શું થશે? ભાજપના કેટલાક મિત્રો ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે, પરંતુ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ની સ્થિતિ પાંજરામાં પુરાયેલ પોપટ જેવી છે.
ફરિયાદી હરેશ મહેતાએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, તેજસ્વી યાદવના નિવેદનથી સમગ્ર ગુજરાતના સમાજની બદનામી, માનહાની તેમજ ગુજરાતીઓનું જાહેરમાં ઘોર અપમાન થયુ છે. યૂટ્યુબ પર એક ચેનલના એક વીડિયોમાં તેમણે તેજસ્વી યાદવના વિવાદસ્પદ નિવેદનનો વીડિયો જોયો હતો.