ઇંગ્લેન્ડમાં કૌટુંબીક માલિકીની 75 ટકા ફાર્મસીઓને આગામી ચાર વર્ષમાં તેમના શટર બંધ કરવાની ફરજ પડી શકે છે અને સરેરાશ ફાર્મસી 2024 સુધીમાં વાર્ષિક £43,000નું નુકસાન કરશે એમ અર્ન્સ્ટ એન્ડ યંગના નવા અહેવાલમાં બહાર આવ્યું છે. આ ફાર્મસીઓ £497 મિલિયન જેટલા ઓછા ભંડોળનો સામનો કરી રહી છે અને જો હાલના કોન્ટ્રેક્ટ મુજબની વ્યવસ્થા ચાલુ રહેશે તો આગામી ચાર વર્ષમાં 72 ટકા ફાર્મસી નુકસાન ભોગવશે.
આ ક્ષેત્રની નાણાકીય બાબતોનું વિગતવાર આર્થિક વિશ્લેષણ કર્યા પછી EYએ નિષ્કર્ષ કાઢ્યો હતો કે, NHS ઇંગ્લેન્ડની મદદ વિના ઘણી ફાર્મસીઓ ટકી શકશે નહીં. જેને કારણે દૂરના ગ્રામીણ સમુદાયો સહિત ઘણા ક્ષેત્રોમાં આરોગ્ય સેવાઓનો વપરાશ મર્યાદિત થઇ જશે.
ટૂંકા ગાળાના ખર્ચની બચતના અનિચ્છનીય પરિણામને કારણે તૂટી રહેલી ઇંગ્લિશ કોમ્યુનિટી ફાર્મસી નેટવર્ક સામે સલામતીના પગલા લેવા EYના પોલીસી મેકર્સે હાકલ કરી છે. આ ફાર્મસીઓનું ભંડોળ ચાર વર્ષથી ઘટી રહ્યું છે અને હજૂ તે વધુ ચાર વર્ષ ચાલુ રહેનાર છે.
હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે નેશનલ ફાર્મસી એસોસિએશન (એનપીએ)ની ઓનલાઇન કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તેઓ ફાર્મસીઓ વ્યાપકપણે બંધ થઇ રહી છે તેના વિરોધી છે અને ફાર્મસી સેવાઓમાં વધુ રોકાણ ઇચ્છે છે.
EY સલાહ આપે છે કે હેલ્થકેર સિસ્ટમમાં અન્યત્ર ક્ષમતા મુક્ત કરવા માટે, સમુદાય ફાર્મસીમાંથી વધુ ક્લિનિકલ સેવાઓ પહોંચાડવાના NHS ઇંગ્લેન્ડના વ્યૂહાત્મક હેતુને પહોંચી વળવા માટે અન્ડરફંડિંગ ચાલુ રાખવું એ અવરોધ છે.
એનપીએ ચેર, એન્ડ્ર્યુ લેને કહ્યું હતું કે “EY નો આ અહેવાલ દર્શાવે છે કે દેશભરમાં ફાર્મસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. કોમ્યુનિટી ફાર્મસીઓ સમગ્ર દેશના સમુદાયોમાં એક મહત્વપૂર્ણ જીવનરેખા તરીકે કાર્ય કરે છે. તેમના પર ખૂબ જ વાસ્તવિક ખતરો છે. જો મંત્રીઓ મદદ નહિં કરે તો તે બંધ થઈ શકે. મેટ હેનકોક કોમ્યુનિટી ફાર્મસીને NHS પરિવારના નિર્ણાયક ભાગ તરીકે વર્ણવે છે. તેમણે એમ પણ કહ્યું છે કે, જો સરકાર ફાર્મસીઓને વધુ સેવાઓ પ્રદાન કરવા કહે છે, તો ફાર્મસીઓને તેના માટે યોગ્ય ચૂકવણી કરવાની જરૂર છે. આપણા ક્ષેત્રમાં સધ્ધરતા, પરિવર્તન અને સુધારણાને આગળ ધપાવવા માટે આ શબ્દોને તાકીદે વધુ રોકાણ દ્વારા સમર્થન આપવાની જરૂર છે.”
ઓલ-પાર્ટી ફાર્મસી ગૃપના ચેરમેન જેકી ડોઇલ-પ્રાઇસ, એમપીએ જણાવ્યું હતું કે “ફાર્મસીઓ ત્રીભેટે ઉભી છે અને દેશના સ્વાસ્થ્યની દેખભાળ માટે તેમને જરૂરી ભંડોળ આપવું આવશ્યક છે. રોગચાળાએ સાબીત કર્યું છે કે જ્યારે ડૉક્ટરોએ બધી સર્જરી બંધ કરી દીધી હતી ત્યારે ફાર્મસીસ્ટે મુખ્ય ભૂમિકા ભજવી ફ્રન્ટલાઈન કેર પહોંચાડવાનું ચાલુ રાખ્યું હતું. જો NHSએ અઠવાડિયાના સાતેય દિવસ ચોવિસે કલાક સાચી સેવા આપવી હોય, તો પછી ફાર્મસીઓ તેમાં મોખરે હોવી જોઈએ.”
EY ના હેલ્થ ઇકોનોમિક્સ ડાયરેક્ટર જ્યોર્જ અગાથન્ગેલોએ કહ્યું હતું કે “અમારું સંશોધન બતાવે છે કે જો ઇંગ્લેન્ડમાં હાલની ભંડોળની વ્યવસ્થા ચાલુ રાખવામાં આવશે તો આગામી વર્ષોમાં વધુ ફાર્મસીઓને નુકસાન થશે. ફાર્મસીઓની મહત્વપૂર્ણ સેવાઓ જાળવવામાં અને વિકસાવવામાં સહાય માટે તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.” EY ના તારણો પર વિગતવાર વિચારણા કરવા એનપીએ બોર્ડ 7 અને 8 સપ્ટેમ્બરના રોજ બેઠક કરશે.