લેસ્ટરમાં ભારત પાકિસ્તાન વચ્ચેની એશિયા કપની ક્રિકેટ મેચ બાદ મોટા પાયે થયેલી અવ્યવસ્થાના કારણની સમીક્ષા કરતી પેનલે પુરાવા ધરાવતા લોકોને તેમનો સંપર્ક કરવા અપીલ કરી છે. સપ્ટેમ્બર 2022માં લેસ્ટર ઇસ્ટમાં તોડફોડ, હુમલાઓ અને મિલકત પર હુમલાના બનાવો પછી ડઝનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
આ માટે ભૂતપૂર્વ લેબર સાંસદ લોર્ડ ઈયાન ઓસ્ટિનને સમીક્ષાનું નેતૃત્વ કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. પુરાવા માટેના કોલનો ઉદ્દેશ્ય સામેલ અને પ્રભાવિત લોકો પાસેથી સત્ય જાણવાનો છે. આ વર્ષના અંતમાં તપાસનો અહેવાલ પ્રકાશિત થવાનો છે. આ અશાંતિમાં મુખ્યત્વે હિંદુ અને મુસ્લિમ સમુદાયના યુવાનોનો સમાવેશ થતો હતો.
આ પુરાવા તા. 4 જૂન સુધી આપવાના રહેશે અને સરકારી વેબસાઇટ પર પુરાવા સબમિટ કરી શકાશે.
સમીક્ષા ગયા વર્ષે લેસ્ટર શહેરના મેયર સર પીટર સોલ્સબી દ્વારા કરવામાં આવી હતી. હેટ ક્રાઇમ નિષ્ણાત ડૉ. ક્રિસ એલનને પેનલનું નેતૃત્વ કરવા માટે કહેવાયું હતું. પરંતુ લોર્ડ ઑસ્ટિનની નિમણૂક પહેલાં તેમણે પદ છોડી દીધું હતું.