જુલાઈમાં બર્મિંગહામમાં શરૂ થઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની 37 એથ્લિટ્સની ટીમ ભાગ લેવાની છે, જેનું સુકાન ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ વિજેતા જેવેલિન થ્રોઅર – ભાલા ફેંક સ્પર્ધક નીરજ ચોપરાને સોંપાયું છે.
ભારતીય એથ્લેટિક્સ સંઘે પસંદ કરેલી 37 એથ્લિટ્સની ટીમમાં 18 મહિલા ખેલાડીઓનો સમાવેશ થાય છે. ઈન્ટર સ્ટેટ ચેમ્પિયનશિપ દરમિયાન પસંદ કરાયેલી ટીમમાં હીમા દાસ અને દુતી ચંદને મહિલાઓની ૪ x ૧૦૦ મીટરની રીલે ઈવેન્ટમાં તક અપાઈ છે.
અવિનાશ સાબ્લેએ ૩૦૦૦ મીટરની સ્ટીપલચેઝ ઈવેન્ટમાં આઠમી વખત પોતાનો જ નેશનલ રેકોર્ડ તોડ્યો હતો. જ્યોથી યાર્રાજીએ ગત મહિને પોતાનો જ ૧૦૦ મીટર હર્ડર્લ્સનો રેકોર્ડ બે વખત તોડીને સનસનાટી મચાવી હતી.
નીરજ, સાબ્લે અને સિનિયર શોટપુટર સીમા પુનિયાને ઈન્ટર સ્ટેટ એથ્લેટિક્સમાંથી મુક્તિ આપવામાં આવી હતી. સીમા પાંચમી વખત કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેશે અને તેને આ પાંચમી વખત મેડલ જીતીને અનોખો ઈતિહાસ રચવાની તક છે.ભારતીય એથ્લેટિક્સ સંઘને કોમનવેલ્થ ગેમ્સ માટેની ટીમાં ૩૬ ક્વોટા ફાળવવામાં આવ્યા છે.
ભારતીય એથ્લેટિક્સ ટીમ: નીરજ ચોપરા, ડીપી મનુ, રોહિત યાદવ, અનુ અને શિલ્પા રાની (જેવલીન થ્રો), અવિનાશ સાબ્લે (૩૦૦૦ મી. સ્ટિપલચેઝ), નિટેન્દર રાવત (મેરેથોન), શ્રીશંકર, એમ. અનીસ યાહયા, એન્સી સોજાન, ઐશ્વર્યા બી.(લોંગ જમ્પ), અબૂબાકર, પી.ચિત્રાવેલ, ઈ.પોલ (ટ્રિપલ જમ્પ), તાજીન્દર સિંઘ, મનપ્રીત કૌર(શોટપુટ), સંદીપ કુમાર અને અમીત ખત્રી, ભાવના જાટ અનેપ્રિયંકા ગોસ્વામી (રેસ વોક), સીમા પુનિયા, નવજીત કૌર ધીલ્લોન (ડિસ્કસ થ્રો), હીમા દાસ, દુતી ચંદ, એસ.નંદા, જીલ્ના અને સીમિ તેમજ અમોજ, નિર્મલ ટોમ, રાજીવ અરોકિયા, એમ. અજમલ, એન. પાન્ડી, રાજેશ રમેશ (રીલે). ફિટનેસ ટેસ્ટ પછી વધુ નામ ઉમેરાશે.