કોમનવેલ્થ ઓફ નેશન્સના સેક્રેટરી-જનરલ તરીકે બેરોનેસ પેટ્રિશિયા સ્કોટલેન્ડ 24 જૂન, 2022ને શુક્રવારે રવાંડામાં કોમનવેલ્થ સરકારના વડાઓની મીટિંગમાં ફરીથી ચૂંટાઇ આવ્યા હતા. જમૈકાના વિદેશ મંત્રી કામિના જોન્સન સ્મિથને બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જૉન્સનનું સમર્થન હોવા છતાં લેબર પીઅર બેરોનેસ સ્કોટલેન્ડે બીજી ટર્મ જીતી છે. એવો આક્ષેપ કરાઇ રહ્યો છે કે યુકે સરકાર કોમનવેલ્થ રાષ્ટ્રો વચ્ચે “વિવાદની વાવણી કરી રહી છે”. બેરોનેસ સ્કોટલેન્ડે 2016માં ભારતના કમલેશ શર્માનું સ્થાન લીધું હતું.
કામિના જૉન્સન સ્મિથે ટ્વિટર પર પોતાની હાર સ્વીકારી સમર્થન આપનારા સૌનો આભાર માન્યો હતો.
1955માં ડોમિનિકામાં જન્મેલા બેરોનેસ સ્કોટલેન્ડ બે વર્ષની ઉંમરે તેમના પરિવાર સાથે લંડન આવ્યા હતા અને પ્રખ્યાત વકીલ તરીકે નામના મેળવી હતી. તેઓ 1997માં બ્રિટિશ સંસદના ઉપલા ગૃહ હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય બન્યા હતા. ત્યારબાદ તેમણે લેબરના વડા પ્રધાનો ટોની બ્લેર અને ગોર્ડન બ્રાઉનની કેબિનેટમાં વિવિધ ભૂમિકાઓ સંભાળી હતી, જેમાં પ્રથમ મહિલા એટર્ની જનરલ બનવાનો સમાવેશ પણ થાય છે.
54 રાષ્ટ્રોની ક્લબ કોમનનેલ્થ નેશન્સના સેક્રેટરી-જનરલ તરીકેનો તેમનો સમય કંગાળ નેતૃત્વના આક્ષેપોથી ઘેરાયેલો રહ્યો છે. બ્રિટિશ મીડિયામાં વ્યાપ અહેવાલોમાં તેમની સામે લંડનમાં તેમના સત્તાવાર નિવાસસ્થાનનું ભવ્ય રીફર્બીશમેન્ટ, મિત્રોને આકર્ષક કોન્ટ્રાક્ટ આપવાના અને અન્ય કૌભાંડોના આક્ષેપ કરાય છે. જો કે સ્કોટલેન્ડ કોઈપણ ગેરરીતિને નકારે છે.
તેમનો કાર્યકાળ 2020 માં સમાપ્ત થવાનો હતો પરંતુ તે વર્ષ માટે નિર્ધારિત કોમનવેલ્થ સમિટ કોવિડ રોગચાળાને કારણે થઈ શકી ન હોવાથી તે સમયગાળો લંબાવવામાં આવ્યો હતો. જે બે વર્ષના વિલંબ પછી, તે સમિટ હવે રવાન્ડાની રાજધાનીમાં થઈ હતી. ચારને બદલે છ વર્ષની સેવા કર્યા બાદ હવે તેઓ માત્ર બે વર્ષની બીજી ટર્મ માટે સેવા આપશે.
શુક્રવારે મતદાન પહેલા આપેલા ભાષણમાં તેમણે આ ભૂમિકા ચાલુ રાખવા આત્મવિશ્વાસ દર્શાવતા જણાવ્યું હતું “હું મક્કમ છું કે, બે વર્ષ પછી જ્યારે સેક્રેટરી-જનરલની ભૂમિકા આફ્રિકાને મળશે, ત્યારે હું પહેલાં કરતાં વધુ મજબૂત, વધુ અસરકારક, વધુ શક્તિશાળી કોમનવેલ્થનો બેટન સોંપીશ.”