ઈંગ્લેન્ડના બર્મિંઘમના એલેક્ઝાન્ડર સ્ટેડિયમમાં શુક્રવારે 22મી કોમનવેલ્થ ગેમ્સનો રંગારંગ પ્રારંભ થયો હતો. હવે 11 દિવસ સુધી વિશ્વના 72 દેશોના આશરે પાંચ હજારથી વધુ એથલિટ મેડલ જીતવા માટે પ્રયાસ કરશે. બ્રિટન છેલ્લા 20 વર્ષમાં ત્રીજી વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરી રહ્યું છે.
પ્રિન્સ ચાર્લ્સે મહારાણી એલિઝાબેથનો સંદેશ વાંચ્યો હતો અને રમતોની શરૂઆતની જાહેરાત કરી હતી. આ ભવ્ય કાર્યક્રમમાં આશરે 30,000 દર્શકોએ હાજરી આપી હતી.. આ રમતોત્સવમાં ભારતના 213 ખેલાડીઓ 16 રમતોમાં ભાગ લઈ રહ્યાં છે.. ભારત આ રમતમાં 18મી વખત ભાગ લઈ રહ્યું છે.
દર્શકોએ ભારતીય ખેલાડીઓનું જોરદાર સ્વાગત કર્યું હતું. બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ અને હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ ઓપનિંગ સેરેમનીમાં ભારત માટે ધ્વજવાહક હતા.નીરજ ચોપરાની ઈજાના કારણે પીવી સિંધુ ફ્લેગ બેરર બની હતી. સિંધુ બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા છે. તેણે 2016 રિયો ઓલિમ્પિકમાં બેડમિન્ટનમાં સિલ્વર મેડલ અને ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમે પરેડની શરૂઆત કરી હતી. તે જ સમયે, યજમાન ઇંગ્લેન્ડના પ્રવેશ સાથે તમામ દેશોની પરેડ સમાપ્ત થઈ હતી. ઈંગ્લેન્ડની ટીમ લાલ અને સફેદ કપડામાં જોવા મળી હતી.
2002 બાદ ભારત કોમનવેલ્થ ગેમ્સમાં ટોપ-5માં રહ્યું છે જેમાં સૌથી વધુ ફાળો શૂટિંગ સ્પોર્ટ્સનો રહ્યો છે. જોકે, આ વખતે કોમનવેલ્થ ગેમ્સમાં શૂટિંગને સામેલ કરવામાં આવ્યું નથી અને તેના કારણે વિવાદ પણ થયો હતો. ચાર વર્ષ અગાઉ ભારતે ગોલ્ડ કોસ્ટમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં 66 મેડલ જીત્યા હતા જેમાંથી 25 ટકા યોગદાન શૂટર્સનું રહ્યું હતું. શૂટિંગમાં ભારતને સાત ગોલ્ડ મેડલ મળ્યા હતા. હવે બર્મિંઘમમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શૂટિંગની ગેરહાજરીમાં ભારત કેટલા મેડલ જીતી શકે છે.ભારતને વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુ અને બેડમિન્ટન સુપરસ્ટાર પીવી સિંધૂ પાસેથી મેડલની આશા છે. બેડમિન્ટનમાં સિંધૂ ઉપરાંત મેન્સમાં કિદામ્બી શ્રીકાંત અને લક્ષ્ય સેન પણ મેડલના દાવેદાર માનવામાં આવે છે. આ ઉપરાંત હોકીમાં પણ મેન્સ અને વિમેન્સ ટીમ પાસે મેડલની આશા છે.
છેલ્લા ઘણા વર્ષોમાં અન્ય ગેમ્સમાં ભારતીય એથ્લેટ્સનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેથી આ વખતે ભારતને વેઈટલિફ્ટિંગ, બેડમિન્ટન, કુશ્તી અને ટેબલ ટેનિસ જેવી સ્પર્ધામાં સારા દેખાવની આશા છે. જોકે, આ ગેમ્સ શૂટિંગની ગેરહાજરીમાં મેડલની સંખ્યાની ખોટ પૂરી શકશે કે નહીં તે જોવાનું રહેશે. એથ્લેટિક્સમાં ભારતે સ્પર્ધાના 72 વર્ષના ઈતિહાસમાં ફક્ત 28 મેડલ જીત્યા છે અને આ વખતે આ સ્પર્ધામાં દેશને સારા પ્રદર્શનની અપેક્ષા રહેશે. ભારતને સૌથી મોટો ફટકો ભાલાફેંક એથ્લેટ નીરજ ચોપરાના રૂપમાં પડ્યો છે. જે ઈજાના કારણે કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થઈ ગયો છે.