વીર સાવરકર પછી મહારાષ્ટ્રના રાજ્યપાલ બીએસ કોશ્યારી અને ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીની છત્રપતિ શિવાજી મહારાજ વિશેની ટિપ્પણીને પગલે મોટો વિવાદ સર્જાયો હતો. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે કહ્યું હતું સૂર્ય અને ચંદ્ર છે, ત્યાં સુધી શિવાજી મહારાજ દેશના હીરો અને આદર્શ બની રહેશે.
ઔરંગાબાદમાં એક કાર્યક્રમમાં ગવર્નર કોશ્યારીએ છત્રપતિ શિવાજી મહારાજને “જૂના જમાનાના હીરો” ગણાવ્યાના એક દિવસ પછી રાજકીય સંગ્રામ ચાલુ થયો હતો. નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)એ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી સામે આક્ષેપ કર્યો હતો કે ભાજપના પ્રવક્તાએ એવું કહ્યું હતું કે મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજી મહારાજે મુઘલ રાજા ઔરંગઝેબની પાંચ વખત માફી માંગી હતી.
પૂણેમાં એક કાર્યક્રમમાં ફડણવીસે જણાવ્યું હતું કે એક વાત સ્પષ્ટ છે કે સૂર્ય અને ચંદ્રના અસ્તિત્વ સુધી છત્રપતિ શિવાજી મહારાજ મહારાષ્ટ્ર અને આપણા દેશના હીરો અને આદર્શ બની રહેશે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મનમાં પણ આ અંગે કોઈ શંકા નહોતી. રાજ્યપાલની ટિપ્પણીના વિવિધ અર્થો કાઢવામાં આવ્યા છે. મને લાગે છે કે દેશમાં શિવાજી મહારાજ સિવાય બીજું કોઈ આદર્શ નથી.
સુધાંશુ ત્રિવેદીના નિવેદન અંગે સ્પષ્ટતા કરતા ડેપ્યુટી મુખ્યપ્રધાન કહ્યું હતું “સુધાંશુ ત્રિવેદીએ આપેલું નિવેદન મેં સ્પષ્ટ રીતે સાંભળ્યું છે. તેમણે ક્યારેય એવું નિવેદન કર્યું નથી કે શિવાજી મહારાજે માફી માંગી હતી.
અગાઉના એનસીપી વરિષ્ઠ નેતા અજિત પવારે કહ્યું હતું કે કોશ્યારીએ મહારાષ્ટ્રના રાજ્યપાલના પદ પર ચાલુ રાખવા પર પુનર્વિચાર કરવો જોઈએ. પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા ક્લાઈડ ક્રાસ્ટો માગણી કરી હતી કે ભાજપ સિદ્ધાશું ત્રિવેદીને બરતરફ કરે.