પવિત્ર શ્રાવણ માસનો ગુરુવાર, ૧૭ ઓગસ્ટથી પ્રારંભ થયો હતો. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સહિતના શિવાલયોમાં સવારે માનવ મહેરામણ ઉમટ્યો હતો. શ્રાવણ માસ દરમ્યાન ભક્તો સોશિયલ મીડીયાના માધ્યમથી પણ નિયમિત દર્શન અને આરતીનો લ્હાવો લઈ શકશે.
સોમનાથ ટ્રસ્ટના અતિથિગૃહના રૂમોનું ઓનલાઇન બુકિંગ માત્ર સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ somnath.org પરથી જ થઈ શકશે. શ્રદ્ધાળુઓ પોતાના પ્રવાસ માટે એડવાન્સ બુકિંગ કરી શકે છે. શ્રાવણમાં દરમ્યાન દરરોજ ભગવાન સોમનાથ મહાદેવને કરાતાં શૃંગારના નિયત કરેલા ન્યોછાવર રાશિ ટ્રસ્ટની વેબસાઈટ પરથી ઓનલાઇન તેમજ પૂજાવિધિ કાઉન્ટર પર આપી ભક્તજનો યજમાન બનવાનો લાભ લઇ શકશે.
સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા, પાઘ પૂજા, માર્કન્ડેય પૂજા, કાલસર્પ યોગ નિવારણ વિધિ, સુવર્ણ કળશ પૂજન માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ વખતે પ્રથમ વખત મંદિરના સંકીર્તન ભવન ખાતે સ્વતંત્ર પૂજા માળખું વિકસાવ્યું છે. જેમાં પૂજા નોંધણી, સ્લોટ અનુસાર પૂજા કાર્યક્રમ વગેરે આયોજન કરવામાં આવ્યા છે. શ્રાવણમાસ દરમ્યાન ટ્રસ્ટની યજ્ઞશાળામાં મહામૃંત્યુંજય યજ્ઞમાં નજીવી ન્યોછાવર રાશિથી ભાવિકો હોમ કરી યજ્ઞનો લાભ લઇ શકશે. તેમજ શ્રાવણ માસ દરમિયાન ભક્તો ઘરે બેઠા માત્ર 21માં ઓનલાઇન બિલ્વ પૂજા નોંધાવી શકશે જેનો પ્રસાદ ભકતોને પોસ્ટ મારફત ઘરે બેઠા પહોંચાડવામાં આવશે.