તરણેતરનું પ્રખ્યાત ત્રિનેત્રેશ્વર મહાદેવ(Photo by SAM PANTHAKY/AFP/GettyImages)
સુરેન્દ્ર નગર જિલ્લાના થાનગઢ તાલુકામાં ત્રિનેત્રેશ્વર મહાદેવના સાંનિધ્યમાં યોજાતા જગવિખ્યાત ત્રણ દિવસના તરણેતરના મેળાનો શુક્રવાર, 6 સપ્ટેમ્બરે પ્રારંભ થયો હતો. આ વર્ષે તરણેતરના મેળામાં દર વખતની જેમ ભરતગૂંથણ, વેશભૂષા, છત્રી સજાવટ જેવી આશરે 24 જેવી સ્પર્ધાઓ યોજવાનું આયોજન કરાયું હતું. આ ત્રણ દિવસના મેળામાં યોજવામાં આવેલી સ્પર્ધાઓ સમગ્ર સૌરાષ્ટ્રની ઝાંખી કરાવે છે.
તરણેતરના મેળામાં મોટા-મોટા ચકડોળ, રમકડાંની દુકાનો, અવનવી ખાણી-પીણીની દુકાનો અને માનવ મહેરામણ સાથે-સાથે ઈતિહાસ અને પૌરાણિક કથાઓ અને ધાર્મિક મહત્વ છે. થાનગઢ સ્ટેશનથી છ માઈલ દૂર આવેલા તરણેતરમાં આ મેળો ભરાય છે. જંગલમાં તરણેતરનું પ્રાચીન મંદિર છે. વાસુકી નાગની ભૂમિ ગણાતા અહીં તરણેતર (ત્રિનેત્રેશ્વર) મહાદેવનું દસમા સૈકાનું કલાપૂર્ણ મંદિર છે. આ ભૂમિ દેવપાંચાલ તરીકે જાણીતી છે. અર્જુને અહીં મત્સ્યવેધ કરીને દ્રૌપદી સાથે લગ્ન કર્યા હોવાની લોકવાયકા છે. ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના નામ ઉપરથી આ ગામનું નામ અપભ્રંશ થઈને તરણેતર પડ્યું છે.
ભાદરવા સુદ ત્રીજથી શરૂ થતાં આ મેળાનો આરંભ મહાદેવની પૂજા થયો હતો. ચોથના દિવસથી મેળાની અસલ રંગત જામે છે. રાસ, ગરબા, દુહા અને છંદની રમઝટ બોલાય છે. ટીટોડી અને હુડા રાસ આ મેળાની આગવી ઓળખ છે. છેલ્લે પાંચમના દિવસે સવારે ગંગા અવતરણ આરતી બાદ પાળિયાદના મહંત દ્વારા ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે.

LEAVE A REPLY