ભારતના સૌથી મોટા ધાર્મિક તહેવારોમાં સામેલ ઓડીશાની જગન્નાથપુરી રથયાત્રા આજે કોરોના મહામારી વચ્ચે શરૂ થઈ હતી. સામાન્ય રીતે આ તહેવારે દસ લાખ શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે, પણ આ વખતે અનેક નિયંત્રણો અને કરફયુ વચ્ચે યાત્રાનો પ્રારંભ થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી હતી.
પુરીની રથયાત્રા નવ દિવસ ચાલતી હોય છે. પુરીના પ્રખ્યાત જગન્નાથ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને સુભદ્રાનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સુદર્શન ચક્ર સામેના ત્રણ રથ બહાર કાઢવામાં આવ્યા હતા. આ માટે જગન્નાથ મંદિરમાં પુજારીઓ એકઠા થયા હતા.
સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ 500થી વધુ લોકો રથ ખેંચી નહીં શકે, અને એ તમામના કોરોના ટેસ્ટ નેગેટીવ હોવા જોઈએ. એ ઉપરાંત સુપ્રીમ કોર્ટે યાત્રા માટે 11 શરતો મુકી હતી. યાત્રા પર પ્રતિબંધ મુકતા 4 દિવસ પહેલાના ચુકાદાને ઉલ્ટાવતા સ્પષ્ટ કર્યુ હતું કે કેન્દ્ર અને રાજય સરકારની સંક્રમણની સુરક્ષા સુધીની જવાબદારી રહેશે.
સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ગઈરાતથી જ પુરીમાં કર્ફયુ જાહેર કરવામાં આવ્યો છે, જે બપોરે બે સુધી અમલી રહેશે. 425 વર્ષમાં પ્રથમવાર રથયાત્રા કરફયુ વચ્ચે નીકળી હતી. જો કે આ સદીર્ઘ ઈતિહાસમાં 32 વાર યાત્રા યોજાઈ નહોતી, અને તે પણ મોટાભાગે આક્રમણના વખતમાં 1558માં બંગાળના રાજા બુલેમાન કિરાણીનો સેનાપતિ લલા મહાડ ઉર્ફે કાલાચંદ રોયે મંદિર પર હુમલો કરી દેવતાઓનું અપમાન કર્યું ત્યારે પ્રથમવાર તે બંધ રહી હતી.
છેલ્લે 1736 અને 1735 વચ્ચે ઓડીશાના નાયબ ગવર્નર મોહમ્મદ લટકીખાને મંદિર પર હુમલો કરતાં ભગવાનની મૂર્તિઓને ગંજમ જિલ્લામાં ખસેડવી પડી હતી. આ વર્ષો દરમિયાન યાત્રા નીકળી નહોતી.યાત્રા માયે મંજુરી માંગતા સોલીસીટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથને મંગળવારે બહાર લાવવામાં નહીં આવે તો પરંપરા મુજબ ભવિષ્યના 12 વર્ષ સુધી કાઢી નહીં શકાય. આપણે સદીઓ સુધી પરંપરા તોડી શકીએ નહી.
રથયાત્રાને મંજુરી અપાયા પછી ગૃહપ્રધાન અમિત શાહે ટવીટ કરી જણાવ્યું હતું કે આજનો દિવસ આપણા બધા માટે શુભ છે. રથયાત્રાને સુપ્રીમ કોર્ટે મંજુરી આપતાં આખા દેશમાં ઉત્સાહ અને આનંદનો માહોલ છે. વડાપ્રધાને આજે ટિવટ કરી જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથની રથયાત્રાના પાવન-પુનિત પ્રસંગે તમને બધાને મહા હાર્દિક શુભકામનાઓ, મારી કામના છે કે શ્રદ્ધા અને ભક્તિસભર આ યાત્રા દેશવાસીઓના જીવનમાં સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને આરોગ્ય લઈ આવે જય જગન્નાથ.