પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી મહોત્સવનું અમદાવાદમાં બુધવાર, 14 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પૂજ્ય મહંત સ્વામીની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્તવિધિથી ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ ભવ્યાતિભવ્ય મહોત્સવ દરમિયાન ભારતીય સંસ્કૃતિની ઝાંખી અને વિવિધ રાજ્યોના નૃત્યો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. આની સાથે વિશ્વના એક સૌથી વિરાટ આધ્યાત્મિક મહોત્સવનો ભવ્યાતિભવ્ય પ્રારંભ થયો હતો.
મહોત્સવનો પ્રારંભ કરાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મહંત સ્વામી, ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, બ્રહ્મવિહારી સ્વામી, રાજ્યપાલ સ્ટેજ પર બેઠા હતા અને ત્યાર બાદ આ સ્ટેજે અડધો કિલો મીટર સુધી આગળ વધીને પ્રમુખ સ્વામીની મૂર્તિ તરફ પ્રયાણ કર્યું હતું. વડાપ્રધાન મોદીએ પૂજ્ય પ્રમુખ સ્વામીની ચરણ વંદના કરી હતી. અનોખી આધ્યાત્મિક નગરીના મુખ્ય પ્રવેશદ્વારે બાળકોએ પરંપરાગત વેશભૂષા અને નૃત્ય સાથે વડાપ્રધાન મોદીનું અભિવાદન કર્યું હતું. વિશેષ રીતે તૈયાર કરાયેલા સ્ટેજ પર વડાપ્રધાન અને પૂ. મહંતસ્વામી બિરાજમાન થયા હતા.
પૂજ્ય પ્રમુખ સ્વામીની ચરણ વંદના કર્યા પછી વડાપ્રધાન મોદીએ પ્રમુખસ્વામી નગરનું પરિભ્રમણ કર્યું હતું. તેમણે ગ્લો ગાર્ડન, વિવિધ પ્રદર્શનો, બાળનગરી, યજ્ઞ શાળા, ભજન શાળા સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે સમગ્ર વિશ્વ અને ભારતનાં અનેક પ્રાંતમાંથી ખૂબજ મોટી સંખ્યામાં ભક્તો અને ભાવિકો ઉપસ્થિત રહ્યાં હતા. અમદાવાદ સહિત અન્ય શહેરમાંથી હરિભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.
છેલ્લા વર્ષથી સમગ્ર વિશ્વભરમાં આ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. અમદાવાદમાં ઓગણજ વિસ્તારમાં 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ભવ્યતા આ દિવ્ય મહોત્વસની ઉજવણી ચાલુ થઈ હતી.
આ પ્રસંગે વડાપ્રધાન મોદી ઉપરાંત ગુજરાતના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, સમગ્ર પ્રધાનમંડળ અને ભાજપના તમામ 156 ધારાસભ્યો પણ ભવ્ય ઉદઘાટન સમારંભમાં ઉપસ્થિત રહ્યાં હતા.
સમગ્ર વિશ્વમાં પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે લાખોની સંખ્યામાં ભકતો ઉમટી રહ્યા છે, ત્યારે વડાપ્રધાને પણ અનેક વાર ફોન અને પત્ર દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી. તદુપરાંત પ્રમુખ સ્વામી મહારાજના આ મહોત્સવમાં ઉદ્ઘાટન પ્રસંગે તેઓ પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને સ્વામીશ્રીને આદરાંજલિ અર્પણ કરી હતી.
BAPS સંસ્થાના અનેક સાંસ્કૃતિક,શૈક્ષણિક, આધ્યાત્મિક પ્રકલ્પોમાં અને અનેકવિધ રાહતકાર્યો અને સામાજિક સેવાઓના અનુસંધાનમાં માનનીય નરેન્દ્ર ચાર દાયકાઓ સુધી નિરંતર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના નિકટ સંપર્કમાં આવ્યા હતા. તેઓએ અનેક પ્રસંગોમાં પ્રત્યક્ષરૂપે પ્રમુખસ્વામી મહારાજનું વાત્સલ્ય અને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.
અમદાવાદના એસપી રિંગ રોડ નજીક ૬૦૦ એકર જમીન પર વિકસાવાયેલા પ્રમુખસ્વામી મહારાજ નગરની તૈયારીઓ છેલ્લાં એક વર્ષથી ચાલતી હતી. હજારો સ્વયંસેવકો અને સંતોની અથાક મહેનતના પગલે અનોખી આધ્યાત્મિક નગરીનું સર્જન કરાયું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી, બુધવાર, 14 ડિસેમ્બર, 2022ના રોજ, અમદાવાદની એક મહિના સુધી ચાલનારા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી સમારોહના ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન (PTI Photo)