મા શક્તિની આરાધનાનો તહેવાર એટલે શારદીય નવરાત્રિનો સોમવાર, 26 સપ્ટેમ્બરથી પ્રારંભ થયો છે. કોરોનાના બે વર્ષ પછી કોઈ નિયંત્રણો વગર નવરાત્રીનું આયોજનની તૈયારીઓ થઈ ગઈ છે. આગામી નવ દિવસ ભક્તો જગતજનનીની આરાધનામાં લિન્ન થશે જ્યારે ખેલૈયાઓ રાસ-ગરબામાં થનગનશે.નવરાત્રિ એટલે આસુરી શક્તિ ઉપર દૈવશક્તિના વિજય માટે નવદુર્ગા, અંબિકા, જગદંબા, ભગવતી ચંડીકા જેવા અનેક નામોથી પૂજીએ છે તે દેવી શક્તિની કૃપા પ્રાપ્ત કરવાનો અવસર.નવરાત્રિના પ્રારંભ સાથે શક્તિપીઠ અંબાજી, ચોટીલા, હરસિદ્ધિ માતા, અમદાવાદમાં ભદ્રકાળી સહિતના માતાજીનાં મંદિરોમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.
પ્રથમ નોરતાએ અમદાવાદમાં કેટલાંક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો અને કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ટ્રેડિશનલ કપડાંની સાથે સાથે બજારમાં નાની ઘણી મોટી વસ્તુઓનું આગમન થતા ખેલૈયાઓ તેના માટે ખરીદી કરવા નીકળી પડ્યા હતા. મોટી ક્લબ અને પાર્ટી પ્લોટમાં ગરબાના મોટા આયોજનો થઈ રહ્યા છે. નાની મોટી સોસાયટીઓ, શેરીઓ, મહોલ્લા અને પોળોમાં ગરબાના આયોજન થતા હોવાથી ડેકોરેશન માટેની લાઇટિંગ અને અન્ય વસ્તુઓ તેમ જ માંડવા અને ગરબીની ખરીદી કરવા પણ ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો કોટ વિસ્તારમાં પહોંચી જતા તમામ બજારોમાં ભારે ભીડ જોવા મળતી હતી.
અમદાવાદ શહેરના માટીના વાસણો અને ગરબા તેમજ ગરબી વેચતા વેપારીઓને ત્યાં પણ નવરાત્રિના નવ દિવસ માતાજીના ગરબાનું સ્થાપન કરવાનું હોવાથી ગરબીની ખરીદી માટે પણ લોકો ખૂબ જ મોટા પ્રમાણમાં નીકળી પડ્યા હતા અને ભક્તોએ ગરબા માટેના માટલાં-ઘડાની ખરીદી કરી હતી.
ગુજરાતની ઓળખ અને યુવાધનના સૌથી વધુ માનીતા તહેવાર નવરાત્રિ માટે મહિનાઓથી ખેલૈયા તૈયારીઓ કરી રહ્યા હતા. ગરબા માટે નવ દિવસના નવ ડ્રેસ અને તેને અનુરૂપ ઓર્નામેન્ટ્સ તથા અન્ય એક્સેસરીઝની પણ તૈયારીઓ કરી દેવામાં આવી હતી. નવરાત્રિની પૂર્વ સંધ્યાએ અમદાવાદના તમામ બજારો ગ્રાહકોથી ઉભરાઈ ગયા છે. નાની મોટી ખરીદી કરવા લોકો રવિવારના દિવસે બહાર નીકળી પડતા અમદાવાદના તમામ બજાર અને સિઝનલ માર્કેટમાં નવરાત્રિની રોનક જોવા મળી રહી છે. અમદાવાદના વેપારીઓ પણ બે વર્ષ બાદ ઘરાકી જોઈને આનંદમાં આવી ગયા હતા.
નવરાત્રિની સૌથી વધુ અસર અને તેનો માહોલ લો ગાર્ડન, માણેકચોક અને કોટ વિસ્તારના કેટલાક માર્કેટમાં જોવા મળતો હોય છે. ટ્રેડિશનલ ચણિયા-ચોળીની ખરીદી માટે છેલ્લા લગભગ એકાદ મહિનાથી લો ગાર્ડન આજુબાજુના ચણિયાચોળી માર્કેટમાં ભીડ જોવા મળતી હતી.
ખેલૈયાઓએ પોતાના ગ્રૂપના સભ્યો સાથે મેચિંગમાં ડ્રેસીસ અને અન્ય એક્સેસરીઝની ખરીદી કરી હતી. અમદાવાદના માણેકચોક અને ભદ્ર તેમજ કોટ વિસ્તારના માર્કેટમાં ભીડ જોવા મળતી હતી. નવરાત્રિમાં ગરબા અને રાસ રમવા માટે જુદા જુદા પ્રકારના દાંડિયાની પણ ભારે ડિમાન્ડ જોવા મળી રહી હતી.
નવરાત્રિમાં સોસાયટીમાં મિત્રો તેમજ સોસાયટીના સભ્યો સાથે મોડે સુધી ગરબા રમ્યા બાદ રાત્રે નાસ્તાનું આયોજન કરવામાં આવતું હોય છે અને રોજેરોજનો નાસ્તો જુદા જુદા રહેવાસીઓ તરફથી સ્પોન્સર કરવામાં આવતો હોય છે.
ગરબાના સ્થળ પર સુરક્ષા માટે સિક્યોરિટી ગાર્ડ્સની સાથે CCTV કેમેરા પણ ફરજિયાત કરવામાં આવ્યા છે. હવે જે સિક્યોરિટી એજન્સીને રોકવામાં આવી રહી છે તેમને CCTV કેમેરાની વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવી રહ્યું છે.