ભારતની સંસદના ચોમાસુ સત્રનો ગુરુવારથી પ્રારંભ થયો હતો. વિપક્ષ મણિપુરની હિંસા, દિલ્હી વહીવટી સેવાઓ અંગેના કેન્દ્રના વટહુકમ, તમિલનાડુમાં પ્રધાનો સામે ઇડીની કાર્યવાહી, મોંઘવારી, બાલોસારમાં ટ્રેન દુર્ઘટના અને બંધારણના સંઘિય માળખા પરના કથિત હુમલા સહિતના મુદ્દે સરકારને ઘેરવાનો યોજના બનાવી હતી. સરકારે મણિપુર સહિતના તમામ મુદ્દે સંસદમાં ચર્ચાની તૈયારી દર્શાવી છે. 11 ઓગસ્ટે સમાપ્ત થઈ રહેલા આ સત્રમાં સરકારે કુલ 31 ખરડા રજૂ કરવાની યોજના બનાવી છે. ખાસ કરીને દિલ્હી વટીવટી સેવા અંગેના વટહુકમના સરકારના બિલ અંગે રાજ્યસભામાં સરકારની ખરી કસોટી થશે. વિપક્ષે મણિપુરના મુદ્દે વડાપ્રધાનના નિવેદનની માગણી કરી રહ્યો છે તેથી આ મુદ્દે ટકરાવ થવાની શક્યતા છે.
2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના NDAનો સામનો કરવા માટે 26 વિરોધ પક્ષોએ નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લૂસિવ એલાયન્સ (ઇન્ડિયા) નામના ગઠબંધનની રચના કર્યાના એક દિવસ પછી ચોમાસુ સત્ર ચાલુ થઈ રહ્યું હોવાથી વિપક્ષ પણ એકજૂથ થઈને સરકાર પર પ્રહારો કરે તેવી ધારણા છે. મોનસૂન સત્ર માટે સંયુક્ત વ્યૂહરચના ઘડવા માટે વિપક્ષીના ઇન્ડિયા નામના ગઠબંધનના નેતાઓ ગુરુવારે સવારે બેઠક યોજશે. સૂત્રોએ જણાવ્યું કે આ બેઠક રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની ચેમ્બરમાં યોજાશે.
વિપક્ષ મણિપુર હિંસાનો મુદ્દો ઉઠાવી રહ્યો છે. આ ઉત્તરપૂર્વીય રાજ્યમાં 3મેથી વંશીય હિંસા ચાલી રહી છે અને તેમાં આશરે 160 લોકોના મોત થયા છે.પ્રહલાદ જોશીએ બુધવારે જણાવ્યું હતું કે સરકાર સંસદના ચોમાસા સત્ર દરમિયાન મણિપુરની સ્થિતિ પર ચર્ચા માટે તૈયાર છે, પરંતુ આ મુદ્દે વડાપ્રધાનના નિવેદનની વિપક્ષની માગણી સંસદની કાર્યવાહી ખોરવી નાંખવાના બહાના સમાન છે. જોશીએ સ્પષ્ટ કર્યું કે આ મુદ્દો કેન્દ્રીય ગૃહમંત્રાલય હેઠળ આવે છે.
સર્વપક્ષીય બેઠક પછી લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જો સરકાર સંસદનું કાર્યવાહી સરળતાથી ચલાવવા માગતી હોય તો તેને વિપક્ષના મુદ્દા માટે પૂરતો સમય આપવો પડશે.
સંસદના ચોમાસુ સત્રમાં સરકારે દિલ્હીના વિવાદાસ્પદ વટહુકમ, ફિલ્મ પાઇરસી, નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના, પર્સનલ ડેટા પ્રોટેક્શન સહિત કુલ 31 ખરડા રજૂ કરવાની યોજના બનાવી છે. વન સંરક્ષણ કાયદામાં, જન વિશ્વાસ, મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટી કાયદામાં સુધારા અંગેના ખરડા રજૂ કરવા પણ માગે છે. જમ્મુ અને કાશ્મીર માટે અનુસૂચિત જનજાતિની સૂચિમાં ફેરફારની કરવાના બિલને પણ રજૂ કરાશે.