ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બે વર્ષ બાદ અમદાવાદમાં સોમવાર, 26 ડિસેમ્બરે આઝાદી કા અમૃત મહોત્સવ’ થીમ પર કાંકરિયા કાર્નિવલ 2022 ખુલ્લો મૂક્યો હતો. 31મી ડિસેમ્બર સુધી ચાલનારા આ કાર્નિવલમાં 15 રાજ્યોના 150 કલાકારો પોતાની સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી લોકોનું મનોરંજન કરશે. ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપ્યું કે, જગન્નાથ રથયાત્રા અને વર્લ્ડ હેરિટેજ સિટીની જેમ કાંકરિયા કાર્નિવલ આજે વર્લ્ડ ફેમસ મહોત્સવ બન્યો છે. કાંકરિયા આજે લોકપ્રિય સ્થળ છે.
કાર્નિવલમાં રાજભા ગઢવી, વિજય સુંવાળા, સાંઈરામ દવે, ભૌમિક શાહ, આદિત્ય ગઢવી સહિતના કલાકારો પરફોર્મન્સ કરશે. કાંકરિયા કાર્નિવલમાં આવતા તમામ લોકોએ કોરોનાની ગાઈડલાનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. કાંકરિયા કાર્નિવલમાં પ્રવેશતા લોકોનાં થર્મલ સ્ક્રિનીંગ કરશે. તો કાંકરિયા કાર્નિવલમાં ગેટ નંબર 1, 2 અને 3 એમ કુલ ત્રણ જગ્યાએ સ્ટેજ રાખવામાં આવ્યા છે. રાત્રે 10 વાગ્યે લેસર બીમ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ ગુજરાત પોલીસ દ્વારા હોર્સ શો અને ડોગ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.એક અંદાજ મુજબ કાંકરિયા કાર્નિવલમાં 25 લાખથી વધુ લોકો ઉમટે એવી શક્યતા છે. તમામ લોકોને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. આ સિવાય બાળકો માટે ખાસ બાળનગરી પણ બનાવવામાં આવી છે.