ગુજરાતમાં ધો.10 અને 12ના આશરે 16.49 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષાનો મંગળવાર 14 માર્ચથી પ્રારંભ થયો હતો. આ પરીક્ષા 29 માર્ચ સુધી ચાલશે. સમગ્ર રાજ્યમાં 1,763 કેન્દ્રો અને 56,000 બ્લોકમાં પરીક્ષાનું આયોજન કરાયું છે. પ્રથમ દિવસે પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને ફૂલ આપી તેમજ ગોળ ખવડાવી સ્વાગત કરાયું હતું.
બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ પર નજર રાખવા માટે રાજ્યકક્ષાની સ્કવોડની રચના કરવામાં આવી છે. કુલ 60 જેટલી રાજ્યકક્ષાની સ્કવોડ દ્વારા પરીક્ષા વખતે વિદ્યાર્થીઓનું મોનિટરિંગ કરવામાં આવશે.
પરીક્ષામાં પ્રથમ દિવસે ધો.10માં પ્રથમ ભાષાની પરીક્ષા લેવાઇ હતી, જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહમાં સહકાર પંચાયત અને નામાના મૂળ તત્ત્વોની પરીક્ષા લેવાઈ હતી.. ધો.12 સાયન્સમાં પ્રથમ દિવસે ભૌતિક વિજ્ઞાનની પરીક્ષા લેવાઈ હતી.
ધો.10ની પરીક્ષા માટે સમગ્ર રાજ્યના 9.56 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધો.10ની પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાં 83 જેટલા ઝોન નક્કી કરાયા છે. ધો.12 સાયન્સમાં 1.10 લાખ નિયમિત વિદ્યાર્થી અને 16 હજાર જેટલા રિપિટર વિદ્યાર્થી મળી કુલ 1.26 લાખ જેટલા વિદ્યાર્થી નોંધાયા છે. ધો.12 સાયન્સમાં 56 ઝોનમાં 140 કેન્દ્ર નક્કી કરાયા છે. સામાન્ય પ્રવાહમાં 56 ઝોનમાં 665 કેન્દ્રો નક્કી કરાયા છે