ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB)ની ધોરણ 10 અને 12ની વાર્ષિક પરીક્ષાનો સોમવાર, 11 માર્ચથી પ્રારંભ થયો હતો. રાજ્યમાં બોર્ડની પરીક્ષા 15.39 લાખ જેટલા વિદ્યાર્થીઓ આપશે. રાજ્યના શિક્ષણ વિભાગે પરીક્ષાઓ યોજવા માટે સઘન વ્યવસ્થા કરી હતી. પરીક્ષા ખંડમાં વિદ્યાર્થીઓનું તિલક કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 9.17 લાખ વિદ્યાર્થીઓ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષા માટે 1.32 લાખ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે 4.89 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10ની પરીક્ષા 3,184 શાળાઓમાં લેવામાં આવશે, ધોરણ 12ની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ 614 શાળાઓમાં અને સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાઓ રાજ્યભરની 1,580 શાળાઓમાં લેવામાં આવશે. તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યાં હતા અને ગેરરીતિના કિસ્સાઓને રોકવા માટે કેન્દ્રિય રીતે મોનિટરિંગ સિસ્ટમ ઊભી કરાઈ હતી.
ધોરણ 10ની પરીક્ષા 22 માર્ચે સમાપ્ત થશે અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ 26 માર્ચે સમાપ્ત થશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ 11 માર્ચથી શરૂ થશે અને 22 માર્ચે સમાપ્ત થશે.