કોમનવેલ્થ સેક્રેટરી જનરલ પેટ્રિશિયા સ્કોટલેન્ડને હટાવવાના પ્રયાસમાં રત ઑસ્ટ્રેલિયા, બ્રિટન અને કેનેડા તરફ કોમનવેલ્થે લાલ આંખ કરી છે.
કોમનવેલ્થ ઓફિસના સૂત્રોએ ‘ગરવી ગુજરાત’ને કહ્યું હતું કે લંડનમાં આવેલા સેક્રેટરીએટના મુખ્ય મથક ખાતે ગુરુવારે તા 6 ફેબ્રુઆરીના રોજ ‘તોફાની’ બેઠકમાં એક પછી એક ‘એબીસી’ તરીકે ઓળખવામાં આવતા ઑસ્ટ્રેલિયા, બ્રિટન અને કેનેડાના હાઈ કમિશ્નરોની અને ભંડોળ પાછુ ખેંચવાની ધમકી આપવા બદલ ન્યૂઝીલેન્ડની પણ ટીકા કરી તેમના આ પગલાંને ‘બ્લેકમેલ’ સમાન ગણાવ્યુ હતુ.
વડા પ્રધાન બોરિસ જ્હોન્સનના એક લીક થયેલા પત્રમાં સૂચવવામાં આવ્યું હતું કે વૈકલ્પિક ઉમેદવાર સ્કોટલેન્ડ સામે ઉભો રાખવો જોઇએ, જે પત્ર બીબીસીને મળ્યા બાદ અહેવાલ બહાર આવ્યો હતો. સૂત્રે ‘ગરવી ગુજરાત’ને કહ્યું હતું કે મીટિંગ આનંદના માહોલમાં સાથે શરૂ થઇ હતી પરંતુ એબીસી દેશોએ સૂચવ્યું કે સ્કોટલેન્ડને ચાર વર્ષની બીજી મુદત આપવામાં આવે નહીં ત્યારે વાતાવરણ બગડ્યુ હતુ. તેમ ન થયુ હોત તો બેરોનેસ સ્કોટલેન્ડ ફક્ત એક ટર્મ પૂરી કરનાર સંગઠનના ઇતિહાસમાં પહેલા સેક્રેટરી જનરલ બની રહ્યા હોત.
“સભ્ય રાજ્યોએ કહ્યું હતુ કે તેઓ જે સૂચન કરી રહ્યા હતા તેને શુદ્ધ અને સરળ ભાષામાં કહીએ તો નિયો-કોલોનીઆલીઝમ સિવાય બીજું કશું નહોતું અને તે માત્ર બદનામી હતી. તેમને કહેવાયું હતું કે ફક્ત રાજ્યના વડાઓ જ સેક્રેટરી જનરલના ભાવિનો નિર્ણય કરી શકે. અંતે તે ચાર સામે 50 લોકોએ મત આપ્યો હતો અને એબીસી દેશો તથા ન્યૂઝીલેન્ડ માટે પીછેહઠ કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.
હવે સભ્ય દેશોના નેતાઓ જૂન મહિનામાં રવાન્ડાની રાજધાની કિગાલીમાં કોમનવેલ્થ હેડ ઑફ ગવર્નમેન્ટ મીટીંગમાં સેક્રેટરી જનરલના ભાવિનો નિર્ણય લેશે. લોકો આને ‘રેસ કાર્ડ રમતા’ દેશો તરીકે રંગવાનો પ્રયત્ન કરશે, તેમ સૂત્રએ જણાવ્યું હતું. પરંતુ તેમણે ભારપૂર્વક કહ્યું હતુ કે આ ગુસ્સો અસલી અને વધારે મહત્વનો હતો. હાઈ કમિશનરોએ કોમનવેલ્થમાંથી નાણાં પાછા ખેંચવાની ધમકી આપનાર સભ્ય-દેશોની ટીકા કરી હતી.
એક સૂત્રે જણાવ્યું હતું કે, વૈશ્વિક સલાહકારો કેપીએમજીના ગુપ્ત અહેવાલના લીકની પણ હાઇ કમિશ્નરોએ આકરી ટીકા કરી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સેક્રેટરી જનરલે બ્રેડફર્ડના લોર્ડ પટેલને કામ આપવા માટેના નિયમો યુક્તિપૂર્વક હળવા કર્યા હતા. ગયા અઠવાડિયે ગરવી ગુજરાતે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે એક અન્ય ગુપ્ત અહેવાલમાં જણાવાયુ હતુ કે તેમણે કંઇપણ ખોટું કર્યું નથી અને તે અહેવાલ ઓડિટર્સ અને બોર્ડ ઓફ ગવર્નર્સના અધ્યક્ષે સ્વીકારી લીધો હતો.
યુકેના રાણી કોમનવેલ્થના વડા છે અને તે સંગઠનની પ્રતિષ્ઠામાં આવી લડાઇ કોઇ જ રીતે મદદરૂપ નથી થતી. ગયા અઠવાડિયે ગરવી ગુજરાતે જાહેર કર્યું હતું કે લોર્ડ પટેલ અને તેમની ટીમે વ્યાપક સુધારણા લાવવાના હેતુસર “વિસ્ફોટક અને ડાયનામાઇટ” સમાન અહેવાલોનો એક સેટ રજૂ કર્યો હતો અને તેમાં શ્રીમતી સ્કોટલેન્ડે કાર્યભાર સંભાળ્યો તો પહેલાંની પ્રથાઓની જડ-મૂળની સમીક્ષા હાથ ધરી હતી. રદિયો આપતા દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે અગાઉના કોમનવેલ્થના બોસ હેઠળનો વહીવટ “નાણાકીય હેમરેજથી પીડાઈ રહ્યો હતો અને બોર્ડ ઑફ ગવર્નર્સ લાંબા ગાળાના અન્ડરસ્પેન્ડિંગ, માળખાગત ગેરસમજ, પેન્શન ફંડિંગ હોલ અને સેક્રેટરીએટના મળતા ફંડીંગમાં ઝડપથી થતી ઘટ અંગે ચિંતિત હતા.”
ગરવી ગુજરાતે ટિપ્પણી માટે સેક્રેટરીએટનો સંપર્ક સાધતા એક પ્રવક્તાએ કહ્યું હતુ કે, “કોમનવેલ્થ મુખ્યમથક પર હાઇ કમિશ્નરોની બેઠકો ગુપ્ત છે અને હું તેમના વિશે કોઈ ટિપ્પણી કરી શકતો નથી.” ફોરેન અને કોમનવેલ્થ ઑફિસે લંડનમાં ઑસ્ટ્રેલિયન, કેનેડિયન અને ન્યૂઝીલેન્ડના હાઇ કમિશનની જેમ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.