અમેરિકામાં કોલોરાડોની કિંગ્સ શોપર્સ સુપરમાર્કેટમાં એક બંદુકધારીએ અંધાધૂંધ ગોળીબાર કરતાં પોલીસ અધિકારી સહિત ઓછામાં ઓછા 10 લોકોનાં મોત થયા હતા. પોલીસે આ ઘટનામાં શંકાસ્પદ ગણાતા એક વ્યક્તિને અટકાયતમાં લીધો હતો. અમેરિકામાં એક સપ્તાહમાં આ બીજો હત્યાકાંડ સર્જાયો છે. છ દિવસ અગાઉ એટલાન્ટા એરિયામાં પણ એક બંદુકધારીએ ગોળીબાર કરતાં આઠ વ્યક્તિના મોત થયા હતા.
ડેનવરથી આશરે 28 માઇલ દૂર આવેલા બાઉલ્ડર કાઉન્ટીના કિંગ સુપર્સ આઉટલેટમાં સોમવારની બપોરે બંદુકધારી વ્યક્તિએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો અને તેનાથી ગ્રાહકો અને કર્મચારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. મીડિયા અહેવાલ મુજબ હુમલાખોર પાસે રાઇફલ હતી અને તે એકલો હતો.
શંકાસ્પદ હુમલાખોર પણ પોલીસ ગોળીબારમાં ઈજાગ્રસ્ત થયો હતો અને લોહી નીકળી હાલતમાં તેને તેને હોસ્પિટલે લઈ જવાયો હતો. હુમલાખોરે ગોળીબાર કયા હેતુથી કર્યો એ અંગે પોલીસ તપાસ કરી રહી છે. આ ઘટનામાં મૃત્યુઆંક વધવાની આશંકા છે. ઘટનાને નજરે જોનાર એક વ્યક્તિએ કહ્યું હતું કે તેને સુપર માર્કેટના ફ્લોર પર ઘાયલ અવસ્થામાં અનેક લોકોને જોયા હતા. જો કે કેટલા લોકો મૃત્યું પામ્યા છે તેનો ચોક્કસ આંકડો તે વ્યક્તિ જણાવી શકી નહોતી.
બોઉલ્ડરમાં આવેલી સુપરમાર્કેટમાં આ ઘટનાને નજરે જોનાર ડીન શિલરે કહ્યું હતું કે તેને ગોળીબારના અવાજ સાંભળ્યા અને ત્રણ લોકોને નીચે પડી જતા જોયા હતા. જેમાં બે પાર્કિંગ લોટમાં ગોળી વાગવાથી ઢળી પડ્યા હતા જ્યારે અન્ય એક વ્યક્તિને દરવાજા પાસે ગોળી વાગી હતી. શિલરે કહ્યું હતું કે ગોળી વાગી એ લોકો જીવિત છે કે નહીં એ ખબર નથી.