અમેરિકામાં ગયા સપ્તાહે સિલિકોન વેલી બેંકે નાદારી નોંધાવ્યા પછી હજી તો દુનિયાને એ સમાચારના આઘાત અને અસરોનો પુરેપુરો અંદાજ પણ આવે તે પહેલા રવિવારે ન્યૂ યોર્ક સ્થિત સિગ્નેચર બેંક પણ ફડચામાં ગયાની જાહેરાત ગયાની અને તે હવે નિયંત્રણકારોના હસ્તક લેવાયાની જાહેરાત કરાઈ હતી.
110 બિલિયન ડોલર્સથી વધુની એસેટ્સ ધરાવતી આ બેંક પણ અમેરિકન બેંકિંગના ઈતિહાસમાં ફડચામાં ગયેલી ત્રીજા ક્રમની સૌથી મોટી બેંક બની હતી. સિલિકોન વેલી બેંક ફડચામાં ગયેલી અમેરિકાની બીજા ક્રમની સૌથી મોટી બેંક બની હતી. આ બે બેંકો ડૂબ્યાની ગંભીરતાનો અંદાજ એ વાત ઉપરથી આવે છે કે, અમેરિકામાં અને યુકેમાં રવિવારે પણ સંબંધિત સરકારી વિભાગોએ કામ કર્યું હતું અને બેંકો ફડચામાં ગયાના આંચકાથી વધુ નુકશાન અટકાવવા અસાધારણ પગલાં લીધા હતા.
યુકેમાં સરકારે રાતોરાત સિલિકોન વેલી બેંકની યુકે શાખાનો ગ્રાહક શોધી કાઢી સોમવારે વહેલી સવારે તો જાહેરાત પણ કરી દીધી હતી કે, યુરોપની સૌથી મોટી બેંક – એચએસબીસીને એસવીબીની યુકે શાખાનું વેચાણ ફક્ત એક પાઉન્ડમાં કરી દેવાયું હતું. આ રીતે, એસવીબીના ગ્રાહકોની ડીપોઝિટ્સ સુરક્ષિત કરી દેવાઈ હતી. તો અમેરિકામાં સરકારે એસવીબીને વેચી દેવાના પ્રયાસો કર્યા હતા, પણ તેમાં સફળતા મળી નહોતી. એકંદરે, લોકોનો બેંકિંગ સીસ્ટમમાં વિશ્વાસ જળવાઈ રહે તે હેતુસર અમેરિકાના ટ્રેઝરી વિભાગ, ફેડરલ રીઝર્વ તથા ફેડરલ ડીપોઝિટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (એફડીઆઈસી) એ જાહેરાત કરી હતી કે, એસવીબીના તમામ ગ્રાહકો સુરક્ષિત રહેશે અને ટુંક સમયમાં તેમને પોતાના નાણાં પ્રાપ્ય રહેશે. આ યોજના મુજબ તો એસવીબી તથા સિગ્નેચર બેંક – બન્નેમાં વીમાથી સુરક્ષિત 250,000 ડોલર્સથી વધુ ડીપોઝિટ્સ ધરાવતા હોય તેવા ખાતેદારોને તેમના નાણાં સોમવારથી જ પ્રાપ્ય બનશે.
આ કટોકટીનો હજી અંત આવ્યો ના હોય તેમ મુશ્કેલીમાં રહેલી એક વધુ બેંક – ફર્સ્ટ રીપબ્લિક બેંકે પણ રવિવારે જાહેરાત કરી હતી કે તેણે ફેડ (ફેડરલ રીઝર્વ) તથા જેપી મોર્ગન ચેઝ પાસેથી ફંડિંગ પ્રાપ્ત કરી પોતાની નાણાંકિય તંદુરસ્તી વધુ સુદ્રઢ બનાવી છે. ફેડે કરેલી જાહેરાત મુજબ તે હાલ પુરતું તમામ બેંકોને ધિરાણ કરશે અને તે રીતે બેંકોના ડીપોઝિટર્સ પોતાના પૈસા પાછા મેળવવા ઈચ્છતા હોય તો તેની પરત ચૂકવણી માટે બેંકોને હાલમાં કોઈ નાણાં ભીડનો સામનો નહીં કરવો પડે, પોતાની પાસે રહેલી ટ્રેઝરીઝ કે સીક્યોરીટીઝ નુકશાન કરીને વેંચવી નહીં પડે. ફેડરલ રીઝર્વે આ માટે 25 બિલિયન ડોલર્સની રકમ ફાળવી છે.