ગાંધીનગર અને અમદાવાદ શહેરમાં તેજ પવનના સુસવાટા સાથે તાપમાનમાં અઢી ડિગ્રીનો કડાકા સાથે લઘુત્તમ તાપમાન ૧૧ ડિગ્રી નોંધાયું હતું. તેની સાથે વહેલી સવારે શહેર સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગાઢ ધુમ્સ છવાઇ ગયુ હતું. તેના પગલે ઠંડીનો પ્રકોપ વધુ એક વખત શરૂ થયો હોય તેવા માહોલ જોવા મળ્યો હતો.
સમગ્ર રાજ્યમાં કચ્છથી લઈને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારમાં જોરદાર કોલ્ડ વેવની અસર જોવા મળી રહી છે. લોકો ઠંડીથી બચવા તાપણાનો સહારો લેતા નજરે પડ્યા હતા. વહેલી સવારમાં ઘુમ્મસ આચ્છાદિત સફેદ ચાદર વાતાવરણમાં છવાયેલી જોવા મળે છે.
ઘુમ્સમને પગલે વિઝિબિલિટિ પણ ઘટી જતી હોવાથી વાહનચાલકોને વહેલા પરોઢીયે મુશ્કેલી પડે છે. આગામી સમયમાં પણ ઠંડીનો પ્રકોપ વધે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. ઉત્તરાયણ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ સૂસવાટા મારતો તેજ પવન ફૂંકાવાનો શરૂ થઇ ગયો છે. જો કે મહદ અંશે ૧૦ જાન્યુઆરી પછી પવનની ગતિમાં વધારો થતો હોય છે, પરંતુ આ વર્ષે સૂસવાટા મારતો પવન વહેલો ફૂંકાઇ રહ્યો છે. તેના કારણે ગાંધીનગરવાસીઓ શુક્રવારે સવારથી પ્રભાવિત થયા હતાં.
સ્થાનિક હવામાન ખાતાના સૂત્રોએ જણાવ્યું કે શુક્રવારે લઘુત્તમ તાપમાન ૨.૫ ડિગ્રીના ઘટાડા સાથે ૧૧ ડિગ્રી અને મહત્તમ ૨ ડિગ્રીના ઘટાડા સાથે ૨૪ ડિગ્રી નોંધાયુ છે. જો કે મહત્તમ તાપમાન મૌસમનું સૌથી નીચુ નોંધાયુ છે. તેની સાથે પવનની ગતિ વધારે હોવાથી દિવસે પણ કાતિલ ઠંડીનો અનુભવ થયો હતો.
ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે માંડ ૨૦ કિલોમીટરનું અંતર હોવા છતાં બન્ને શહેરના તાપમાનમાં ૨થી ૪ ડિગ્રીનો તફાવત જોવા મળે છે. જાન્યુઆરી માસના પ્રથમ અઠવાડિયાના બીજા દિવસની રાતથી તેજ પવનની સાથે તાપમાન નીચુ જવા લાગ્યુ હતું.
તેની સાથે વહેલી સવારે ધુમ્મસ છવાઇ જતાં ઠાર પડ્યો હોય તેવો અહેસાસ થવા લાગ્યો હતો. મોર્નિંગ વોકમાં નીકળેલા શહેરીજનોને છેલ્લા બે દિવસથી કડકડતી ઠંડીનો અહેસાસ ધુમ્મસના કારણે થઇ રહ્યો છે. સૂર્યાસ્ત બાદ તો ઠંડીનું જોર વધવા લાગ્યુ હતું. તેના કારણે સાંજે ૭ વાગ્યા પછી પાટનગરના રાજમાર્ગો સુમકાર થવા લાગ્યા હતાં. શહેરના સેક્ટરોની વસાહતો અને શોપિંગ સેન્ટરોમાં પણ સુમસામ થવા લાગી હતી.